Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કોરોનાની વેક્‍સીનેશન કામગીરી પુરજશોમાં હોવાના દાવા વચ્‍ચે ગુજરાતમાં અનેક જગ્‍યાએ સેન્‍ટરો ઉપર વેક્‍સીનેશન કાર્યક્રમ અટકી પડયાઃ લોકોને રસી લીધા વગર પરત ફરવુ પડયુ

અમદાવાદ: ગુજરાતમાં એક તરફ પૂરજોશમાં વેક્સિનેશનનો દાવો કરવામાં આવી રહ્યો છે. પંરતુ ગુજરાતમા વેક્સીનનો ન હોવાની બૂમો પડી રહી છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં વેક્સિન ન હોવાના સમાચાર આવી રહ્યા છે. જેથી અનેક સેન્ટરો પર હાલ વેક્સિનેશન કાર્યક્રમ અટકી પડ્યા છે. લોકો વેક્સિન લીધા વગર પરત ફરી રહ્યાં છે.

અમદાવાદમાં કોવિડ વેક્સીનેશન મામલે શહેરમાં અંધાધૂંધી યથાવત જોવા મળી રહી છે. અમદાવાદમાં રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી અનેક સેન્ટરો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. શહેરના બોડકદેવના દીનદયાળ હોલ ખાતે રસી લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. ત્યારે રસી લેનારની લાંબી લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. ભીડને કાબૂમાં લેવા પોલીસ જવાનો પણ ઉપસ્થિત છે.

રસીના મળતા અપૂર્તા સ્ટોક મામલે સરકારમાંથી રસીનો સ્ટોક ન આવતો હોવાની AMC દ્વારા કબુલાત કરવામાં આવી છે. દૈનિક 1 લાખ વેક્સીનેશન કરવાના સરકારના દાવાની હવા નીકળી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શહેરમાં 20 હજાર લોકોને જ રસી આપવામાં આવી હતી. જો કે, રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી એકાએક ઓનસ્પોટ રસીકરણ બંધ કરી દેવામાં આવ્યું છે. માત્ર સ્લોટ મેળવનારને જ રસી આપવામાં આવી રહી છે.

સુરતમાં પણ વેક્સીનેશનમાં બુમો પડતી જોવા મળી રહી છે. સુરતમાં ઓનસ્પોર્ટ વેક્સીન ઝુંબેશનું સુરસુરીયું થતું જોવા મળી રહ્યું છે. સુરતમાં કોવિડ વેક્સીનના અપૂરતા સ્ટોકને કારણે 130 સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે માત્ર 100 સેન્ટરો જ હાલ પુરતા કાર્યરત છે. સુરતમાં હાલ પ્રત્યેક સેન્ટર પર 200 થી 250 લોકોને જ વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે આ અંગે સોશિયલ મીડિયા થકી લોકોને જાણકારી આપવામાં આવી રહી છે.

નવસારી જિલ્લામાં ફરી એકવાર વેક્સીનેશન પર બ્રેક લાગી ગઈ છે. જિલ્લામાં શરૂ કરવામાં આવેલા 27 થી વધુ સેન્ટરો પર રસી ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અપોઈટમેન્ટ બુક કરાવ્યા છતાં રસી ન મળતા લોકોએ તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. નવસારી નગરપાલિકા હાઈસ્કૂલમાં રસી લેવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. ત્યારે લોકોની ભીડને દૂર કરવા માટે ટાઉન પોલીસ સ્થળ પર દોડી આવી હતી. રસી ન મળતા લોકો ફરી એકવાર નિરાશ થઈને ઘેર પરત ફર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે મૌન ધારણ કર્યું હતું.

વડોદરામાં પણ વેક્સીન ડ્રાઈવનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે. શહેરમાં દરરોજ 26 હજાર લોકોને વેક્સીન આપવાનો લક્ષ્યાંક હતો. પરંતુ જે ઘટાડીને 9 હજાર કરવામાં આવ્યો છે. વડોદરાને કોવીશિલ્ડ વેક્સનીનો જથ્થો ઓછો મળી રહ્યો છે. તેની સામે કોવેક્સીનનો જથ્થો પૂરતો છે પણ કોઈ બીજો ડોઝ લેવા આવી રહ્યું નથી. વડોદરામાં 75 ટકા લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

તેમ છતાં બીજો ડોઝ લેવા કોઈ આવી રહ્યું નથી જેના કારણે આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રવિવારે વડોદરામાં 260 માંથી 108 કોવિડ વેક્સીન સેન્ટરો ખુલ્લા રાખવામાં આવ્યા હતા. ત્યારે 26 હજારના લક્ષ્યાંક સામે રવિવારે 9027 લોકોને જ વેક્સીન અપાઈ હતી. જેમાં 4899 લોકોને પ્રથમ ડોઝ અને 4128 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

(5:29 pm IST)