Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વડોદરાઃ પતિ જમ્‍મુની સરહદ ઉપર દેશની રક્ષા માટે તૈનાથ અને સગર્ભા પત્‍ની કોરોના મહામારીમાં લોકો વેક્‍સીનથી વંચિત ન રહે તે માટે સેવામાં તત્‍પર

વડોદરા: પતિ સરહદ પર દુશ્મનો સામે દેશની રક્ષા કરી રહ્યા છે તો પત્ની બાળક સાથે રાખીને શહેરના નાગરિકોને કોરોના સામે રક્ષણ આપી રહ્યા છે. કોરોનાના કપરા કાળમાં અનેક નાગરિકોએ તેમજ અનેક કર્મચારીઓએ નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ નિભાવી રિયલ હીરોઝની ભૂમિકા ભજવી છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા શિલ્પા બેન વેગડ પણ તેમાના એક છે. શિલ્પાબેન વ્યવસાયે પોતે નર્સ છે તેઓ સગર્ભા હતા ત્યારથી અત્યાર સુધી તેઓ પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છે.

કોરોનાના કપરાકાળમાં કોરોનાના નામ માત્રથી લોકો ધ્રૂજી ઉઠતા હતા. ત્યારે શિલ્પાબેન પોતે સગર્ભા ત્યારે રાત દિવસ જોયા વિના પોતાની ફરજ પર હાજર થઈ જતા હતા. ત્યારે અનેક લોકો તેમને નોકરી છોડી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપતા ત્યારે લોકોની સલાહ ન માની 7 મહિના સુધી પોતાના ગર્ભમાં રહેલા બાળક સાથે ડ્યુટી પર સમયસર હાજર રહી સમાજમાં ઉત્તમ દાખલો બેસાડ્યો હતો.

ડિલીવરી બાદ શિલ્પાબેન પોતાની સાડા ત્રણ મહિનાની બાળકીને સાથે રાખીને વેક્સીનેશનની કામગીરીમાં જોડાયા હતા. વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે હાલ કોરોના સામે રક્ષણ માટે વેક્સિન માત્ર ઉપાય છે. ત્યારે વધુમાં વધુ લોકો આ પ્રક્રિયાનો લાભ લે તે હેતુથી તેઓ પોતાની ત્રણ મહિનાની નાની દીકરીને સાથે રાખીને ફરજમાં જોડાયા હતા. હાલ તેમની બાળકી સાત મહિના ની થઈ ચૂકી છે છતાં કોઈ પણ નાગરિક વેક્સિન થી વંચિત ન રહી જાય તેવા ઉદેશ્ય સાથે તેઓ ડ્યુટી કરી રહ્યા છે

મહત્વ નું છે કે શિલ્પા વેગડના પતિ કિશોરભાઈ મકવાણા ભારતીય સેનામાં ફરજ બજાવે છે હાલ જમ્મુ ખાતે સરહદ પર તેઓ દેશની રક્ષા કાજે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. પતિ સરહદ પર તૈનાત હોવાથી હાલ શિલ્પાબેન એકલા ના માથે ઘરની જવાબદારી છે ઘરના તમામ કામ દીકરીની સંભાળ સાથેજ નર્સ તરીકેની પોતાની જવાબદારી તેઓ એકલા હાથે સંભાળી રહ્યા છે.

શિલ્પાબહેને વધુમાં જણાવ્યું હતું કે, મારી દિકરીનું નામ ક્રિસ્ટલ છે. ક્રિસ્ટલ આમ તો મારા વગર નથી રહેતી. પરંતુ ક્યારેક આસ પડોસ વાળા પણ મારી દિકરીને સાચવે અને હું કામ કરતી હોઉં તેવું પણ બન્યું છે. જો તેવું શક્ય ન હોય ત્યારે વેક્સીનેશન સેન્ટર પર જ હાજર લોકો મારી બાળકીને સાચવવામાં કોઇ પ્રકારે મદદ કરતા હોય છે. જેને કારણે મારો સમય સારી રીતે નિકળી જાય છે. અને બાળકીને સાચવવાની સાથે સાથે નોકરી પણ સચવાઇ જાય છે.

(5:28 pm IST)