Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રસીકરણ 'મહાઅભિયાન'ને બ્રેક : ઠેરઠેર લોકોને ધક્કા

રાજ્યના અનેક સેન્ટરોમાં વેકસીન ખુટી પડી : છેલ્લા ૬ દિ'માં રસીકરણના પ્રમાણમાં ૫૦%નો ઘટાડો : રાજ્યમાં અનેક સ્થળે 'વેકિસનનો સ્ટોક નથી' એવા બોર્ડ લાગ્યા

અમદાવાદ તા. ૨૮ : રાજયમાં પૂર જોશમાં શરૂ કરવામાં આવેલું વેકિસન અભિયાન હવે ધીમું પડતું દેખાઈ રહ્યું છે રાજયમાં ૨૧ જૂનથી વેકિસનેશનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું જેને ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ વોક ઈન વેકિસનેશન શરૂ કરવામાં આવ્યું છે પરતું હવે રાજયમાં વેકિસનની અછતને પગલે વેકિસનનેશન મહાઅભિયાનનો ફિયાસ્કો બોલાઈ રહ્યો છે.

જો વાત કરવામાં આવે તો છેલ્લા ૬ દિવસમાં વેકિસનેશનના પ્રમાણમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસથી અનેક વેકિસનેશન સેન્ટર બહાર પણ 'વેકિસનનો સ્ટોક નથી' તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.વાસ્તવિકતા એવી છે કે અનેક સેન્ટર પર વેકિસન પુરતા પ્રમાણમાં પહોંચતી જ નથી.. વાત કરીએ અમદાવાદની..તો વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં આજે પણ કોવિશીલ્ડની વેકિસનનો જથ્થો આવ્યો નથી. ૮૪ દિવસ બાદ કોવિશીલ્ડનો બીજો ડોઝ લેવા માટે ગયેલા લોકોને ધક્કો ખાવો પડ્યો છે.

ગઈકલે પણ કોવિશીલ્ડની વેકિસન ન હતી. જેથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે વેકિસન માટે વેપારીઓ જાગૃત બન્યા છે પરતું પૂરવઠો ઉપલબ્ધ નથી વેપારીઓ સરકારના નિર્ણયને ટેકો આપી રહ્યા છે પણ સમય મર્યાદા વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જો સમય મર્યાદા વધારો નહીં કરાય તો પોલીસ હેરાન કરશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.

રાજયમાં અપૂરતી વેકિસનથી ગુજરાતમાં વેકિસનેશનની ગતિમાં ધીમી પડી ગઇ છે. રવિવારના દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ  ૨૦ હજાર ૧૦૦ લોકોને, સુરત શહેરમાં ૧૩ હજાર ૯૬૦, કચ્છમાં ૧૦ હજાર ૮૨૫, સુરત ગ્રામ્યમાં ૯ હજાર ૬૧૯ અને નવસારી શહેરમાં ૯ હજાર ૬૧૩ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.તો ગુજરાતના છેવાડાના એવા ડાંગ જિલ્લામાં માત્ર ૫૫૭ અને ખેડા જિલ્લામાં ૬૫૬ લોકોને જ રસી મળી છે.

વડોદરામાં વેકિસનેશન અભિયાનને મોટો ફટકો પડ્યો છે. વડોદરામાં ૧૫૦ જેટલા વેકિસન સેન્ટર બંધ છે. જયારે ૧૦૮ વેકિસન સેન્ટર જ ખુલ્લા છે. રોજના ૨૬ હજાર વેકિસન આપવાનું ટાર્ગેટ છે પરંતુ ટાર્ગેટ પૂર્ણ થાય તેવી સ્થિતિ નથી. એક દિવસમાં વડોદરામાં ૯ હજાર ૨૭ લોકોને જ વેકિસન અપાઇ છે. જેમાં ૪ હજાર ૮૯૯ લોકોને પ્રથમ ડોઝ અને ૪ હજાર ૧૨૮ લોકોને બીજો ડોઝ અપાયો છે. વડોદરા જિલ્લામાં કુલ ૪ હજાર ૭૬૩ લોકોએ વેકિસન લીધી છે.

સુરતમાં આજે કોરોના વેકિસનને લઇ અવ્યવસ્થા સર્જાઇ છે. સુરતમાં માત્ર ૧૦૦ સેન્ટર પર વેકિસનેશન થશે. આજે સુરતમાં ૨૦ હજાર ડોઝ ઉપલબ્ધ છે. એટલે એક સેન્ટર પર ૨૦૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે. ત્યારે ગઇકાલે માત્ર ૧૨ હજાર લોકોને વેકિસન અપાઇ હતી. ત્યારે વેકિસન ઓછી આવતા લોકો વેકિસનેશનથી વંચિત રહ્યાં છે. એક બાજુ ૩૦ જૂન સુધીમાં વેપારીઓ માટે વેકિસન લેવી ફરજિયાત છે. ત્યારે વેકિસનની અછત હોવાથી કેવી રીતે વેકિસન લેવી તેને લઇને પણ લોકો સવાલ ઉઠી રહ્યા છે. વેકિસન લેવા માગતા લોકોમાં નિરાશા છે.

રાજકોટ જિલ્લામાં કોરોના વેકિસનની ભારે અછત જોવા મળી રહી છે, રાજકોટમાં ૧૧ તાલુકાઓમાં વેકિસનનો પૂરતો જથ્થો પહોંચ્યો નથી આજે પણ માત્ર ૮ હજાર વેકિસનના ડોઝ ઉપલબ્ધ છે, જેમાં કોવિશિલ્ડનો એક પણ ડોઝ ઉપલબ્ધ થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગઈ કાલે અંદાજીત ૭.૫ લાખ લોકોએ પ્રથમ ડોઝ કોવિશિલ્ડનો લીધો હતો, તો રાજકોટ શહેરમાં આજે ૪૫ કેન્દ્ર પર વેકિસનેશન થશે, છેલ્લા ચાર દિવસથી વેકિસનની ભારે અછત સર્જાઈ રહી છે.

અમદાવાદમાં અત્યાર સુધી સૌથી વધુ ૨૮.૪૫ લાખ વેકિસનના ડોઝ અપાયા છે. અમદાવાદ શહેરમાંથી ૨૩.૨૦ લાખ લોકો પ્રથમ ડોઝ અને ૫.૨૫ લાખ લોકો રસીના બંને ડોઝ લઇ ચૂકયા છે. બીજી તરફ ડાંગમાં માત્ર ૫૮ હજાર ૪૨ લોકોને કોરોના રસી અપાઇ છે. અત્યારસુધી કોવિશિલ્ડ વેકિસન લેનારાનું પ્રમાણ ૨.૧૯  કરોડ અને કોવેકિસન લેનારાનું પ્રમાણ ૨૯.૧૬ લાખ છે.

(4:47 pm IST)