Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

લગ્નની સિઝનને પખવાડિયું જ બાકી

લગ્ન સમારોહમાં મહેમાનોની મર્યાદા વધી, પણ હવે ૫ મુહૂર્ત જ બાકી : ૨૦ જુલાઇએ દેવપોઢી એકાદશી સાથે સિઝન પૂરી, ૧૪ નવેમ્બરથી નવી સિઝન

અમદાવાદ તા. ૨૮ : રાજય સરકારે છૂટછાટો સાથે લગ્ન સમારોહમાં મહેમાનોની મર્યાદા વધારી ૧૦૦ કરી હોય, પરંતુ હવે લગ્નસરાની સિઝનને માત્ર પખવાડિયું જ બાકી હોય અને તેમાં પણ પ મુહૂર્ત જ હોઈ નિરસ માહોલ જોવા મળી રહ્યો છે. ૨૦ જુલાઇએ દેવપોઢી એકાદશી સાથે લગ્નસરાની ચાલુ સિઝન પૂરી થશે અને ત્યારબાદ ૪ મહિનાના વિરામ બાદ ૧૪ નવેમ્બરથી નવી સિઝનનો આરંભ થશે.

નોંધનીય છે કે, કોરોના મહામારી વચ્ચે લગ્નસરાની ચાલુ સિઝન ધોવાઈ ગઇ હોવાનો મત કેટરિંગ, ઈવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ આપી રહ્યા છે. જયોતિષીએ જણાવ્યા મુજબ, ગત નવેમ્બર માસમાં ૨. ડિસેમ્બરમાં ૩ લગ્નમુષૂર્ત હતા. કમુરતા પછી ફેબ્રુઆરીમાં ૨ મુહૂર્ત છે. ગુરુ-શુક્રનો અસ્ત અને હોળાષ્ટકને પગલે દોઢ મહિનાનો વિરામ રહ્યો હતો. ત્યારબાદ એપ્રિલમાં ફરીવાર મુહૂર્તની શરૂઆત તો થઇ હતી, પરંતુ તેમાં કોરોના નિયંત્રણો નડી ગયા હતા.

એપ્રિલના ૬ મુહૂર્ત, મેના ૧૧ મુહૂર્ત અને જૂનના હમણાં સુધીના ૧૦ મુહૂર્તમાં આ પ્રકારે ઓછા મહેમાનો સાથે સમારોહ સંપન્ન થયા હતા. જયારે હવે ૨૮ જૂનનું એક અને જુલાઇમાં ૧, ૨, ૩, ૧૩ તારીખ સુધીના ૪ મુહૂર્ત મળીને માત્ર પ મુહૂર્ત જ બાકી રહ્યા છે. ત્યાર બાદ ૨૦ જુલાઇએ દેવપોઢી એકાદશી શરૂ થઈ રહી છે. હિન્દુ સમુદાયમાં દેવપોઢી એકાદશી બાદ ચાર મહિના સુધી લગ્ન આયોજનો કરાતા નથી.

કોરોનાથી કેટરીંગ - ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન

છેલ્લા ૧૫ મહિનામાં કોરોના નિયંત્રણો વચ્ચે લગ્ન આયોજનોનો માહોલ ફિક્કો દેખાયો હોય કેટરિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનુ નુકસાન વેઠવાની નોબત આવી છે. ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અગ્રણીએ જણાવ્યું હતુ કે, અગાઉની અડધી સિઝન અને હાલની આખી સિઝન નિરશ રહી છે. ઇવેન્ટ અને કેટરિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સંખ્યાબંધ લોકોએ રોજગારી ગુમાવવાની નોબત આવી છે, એવામાં હવે નવેમ્બર બાદ શરૂ થતી લગ્નસરાની સિઝન સારી રહે અને ભૂતકાળની માફક ફરીવાર રોનક દેખાઇ એવી આશા વ્યકત કરાઇ રહી છે.

(1:03 pm IST)