Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

૨ જુલાઈ સુધી વાતાવરણમાં ઘણો ફેરફારઃ થંડરસ્ટ્રોમનો વરસાદ ખાબકશે

પ્રબળ પરીબળોના લીધે ચોમાસુ આગળ વધશે, વાતાવરણ સુધરશે, કડાકા- ભડાકા સાથે વરસાદ પડશે : ૫ જુલાઈ સુધીમાં સિસ્ટમ્સ બનશે તો સાર્વત્રિક વરસશે, પરંતુ હાલ સિસ્ટમ્સમાં વારંવાર બદલાવ થઈ રહ્યો છેઃ ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં છુટોછવાયો વરસી જાયઃ કચ્છ જિલ્લામાં શકયતા નહિવત

રાજકોટઃ હાલમાં ઉત્તર મધ્ય ભારતમાં વાતાવરણમાં એક મોટું હાઇ પ્રેશર બનેલ છે જે ચોમાસાના પ્રબળ પરિબળોને નીચે ધકેલી રહ્યું છે. જયારે બીજી બાજુ ચોમાસું પણ આગળ વધવા પરિબળોને મજબૂત કરી રહ્યું છે. તેમ છતાં ઉપલા સ્તરમાં હાઈ પ્રેશર વધારે હોવાને કારણે ચોમાસું આગળ વધી શકતુ નથી. એટલે કે બંને વચ્ચે હાલમાં થોડી ફાઈટ ચાલી રહી છે. પરંતુ હાલમાં વાતાવરણની હલચલ જોતા લાગી રહ્યું છે કે ચોમાસું પ્રબળ પરિબળો સાથે આગામી ત્રણથી ચાર દિવસ સુધી થોડું આગળ વધશે. અને જેના કારણે વાતાવરણ માં સુધારો જોવા મળશે અને કડાકા ભડાકા સાથે વરસાદ પણ જોવા મળશે.

આગામી ૨ જુલાઈ સુધીમાં વાતાવરણમાં ઘણો ફેરફાર જોવા મળશે. આજથી ઉત્તર પૂર્વ, મધ્ય પૂર્વ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણ ની અંદર સુધારો જોવા મળશે અને બધી બાજુ કડાકા-ભડાકા સાથે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે.

જોકે વાતાવરણમાં અસ્થિરતા ઊભી થવાને આગામી ચારેક દિવસ કારણે / થંડરસ્ટ્રોમનો વરસાદ જોવા મળશે, વરસાદ ક્યાં પડે એમની માટે કોઈ નકકી વિસ્તાર હોતા નથી છૂટા-છવાયા લોકલ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયાઇ પટ્ટીના વિસ્તારોમાં થોડી વધારે શકયતાઓ રહેલી છે સાથે ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. એ સિવાય અમુક એવા વિસ્તારો હોય શકે કે જ્યાં અનુકૂળ સંજોગ મુજબ વરસાદ પડી જાય.

જયારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ આ વર્ષે થોડું વધારે રહ્યું છે અને હજી આવનારા ચાર દિવસમાં છુટા-છવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં વધારે શકયતાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર બાજુનાં જિલ્લામાં રહેલ

છે.  તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા લાગુ વિસ્તારોમાં છૂટોછવાયો ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત કચ્છ જિલ્લામાં વરસાદની શકયતાઓ નહીંવત્ ગણી શકાય છે, પરંતુ ગણ્યાગાંઠ્યા વિસ્તારોમાં વરસાદ નસીબજોગે પડી શકે છે.

હવામાન વિભાગ  અને વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા સાર્વત્રિક વરસાદ ને લઈને અલગ-અલગ અહેવાલો આપવામાં આવે છે. દિવસેને દિવસે વાતાવરણ મુજબ અલગ અલગ આગાહીઓ કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં ૫ જુલાઈ પછી કોઈ સારી સીસ્ટમ્સ બનશે તો સાર્વત્રિક વરસાદની આગાહી રહેલી છે. જોકે હાલમાં કોઇ સિસ્ટમ્સ એકદમ વ્યવસ્થિત દેખાતી નથી અથવા દરરોજ દરરોજ સિસ્ટમ્સ  બદલાવ જોવા મળે છે. એટલે વેધર ચાર્ટ સિસ્ટમ્સના માધ્યમથી હાલમાં પરફેકટ આગાહીઓ જણાવી શકાતી નથી. થોડા દિવસો પસાર થશે તેમ તેમ આગાહી સ્પષ્ટ થતી જશે.

વાતાવરણમાં અસ્થિરતા વધી રહી છે અને જે વરસાદ જોવા મળશે એ થંડરસ્ટ્રોમનો વરસાદ જોવા મળશે, જે વરસાદ જયાં જોવા મળશે ત્યાં ભારે પણ પડી શકે છે. જોકે ચોમાસાની જેમ સારો અને ભારે વરસાદ પડે એવી શકયતા ઓછી જણાઈ રહી છે કેમ કે કલાઉડ સિસ્ટમ્સ એટલી મજબૂત જણાતી નથી. કુદરતી પરિબળો અને ચોમાસાની સિઝન હોવાને કારણે આગાહીમાં થોડો-ઘણો ફેરફાર થઈ શકે છે.

(11:05 am IST)