Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ગત માર્ચથી શાળાઓ બંધઃ સ્કુલ વેનના માલિકો બેકાર બન્યાઃ પાણીપૂરી-શાકભાજી વેચવા મજબૂર

કેટલાકે હપ્તા ભરવા વાહનો વેંચી દીધા તો કેટલાક બીજા ધંધા તરફ વળ્યા

અમદાવાદ, તા.૨૮: ૩૩ વર્ષનો રવિ ગોહિલ છેલ્લા નવ મહિનાથી ઓનલાઈન પોર્ટલ માટે માલ-સામાન પહોંચાડી રહ્યો છે. તે પરિવારનો ખર્ચ પૂરો કરી શકે એટલું માંડ કમાઈ છે. તેના પરિવારમાં પત્ની, દીકરો અને માતા-પિતા છે. ૪૧ વર્ષના પારિતોષ શાહનો કેસ પણ કંઈ આવો જ છે, જેણે મહામારીની શરૂઆત થઈ અને લોકડાઉન લાગુ કરાયું તેના માત્ર આઠ મહિના પહેલા સ્કૂલ વાન ખરીદી હતી. છેલ્લા ૧૫ મહિનાથી સ્કૂલ બંધ હોવાથી તેણે 'પાણીપુરી'ની લારી શરૂ કરી છે.

લગભગ દોઢ વર્ષથી શાળાના દરવાજા બંધ છે ત્યારે ૪૭ વર્ષના ભદ્રેશ પવાર તેમની સ્કૂલ વાનમાં વડાપાઉં બનાવીને વેચે છે. તેનું કહેવું છે કે, તે તેના પરિવારનું ગુજરાન ચલાવી શકે એટલી કમાણી કરી લે છે.

ગયા વર્ષના માર્ચ મહિનાથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ચાલી રહ્યું હોવાથી, અમદાવાદમાં ગોહિલ, શાહ અને પવાર જેવા ૭૫૦૦ જેટલા સ્કૂલ વાનના માલિકો જીવનનિર્વાહ માટે અન્ય ધંધા તરફ વળ્યા છે. કેટલાકે EMI ભરવા માટે વાન વેચી દીધી છો તો કેટલાકે શાકભાજી અને નાસ્તાની દુકાન તેમજ પાન પાર્લર ખોલ્યું છે.

'લોકડાઉન પહેલા હું મહિને ૩૦ હજાર રૂપિયા કમાતો હતો, પરંતુ છેલ્લા નવ મહિનાથી હું મારી સ્કૂલ વાનમાં માલ-સામાનની ડિલિવરી કરી રહ્યો છું', તેમ રવિ ગોહિલે જણાવ્યું હતું, જે અગાઉ જેટલું કમાતો હતો તેનાથી હાલ અડધું કમાઈ છે. ૨૬ વર્ષનો શહેઝાદ ભિષ્તી, જે પોતાની સ્કૂલ વાનમાં ઓનલાઈન ઓર્ડર કરેલા સામાનની ડિલિવરી પણ કરે છે, તેણે કહ્યું હતું કે, અગાઉ તે જેટલું કમાતો હતો, તેની સરખામણીમાં ઓછી આવક થઈ રહી છે.

ભદ્રેશ પવારે જણાવ્યું હતું કે, 'હુ છેલ્લા ૨૦ વર્ષથી સ્કૂલ વાન ચલાવી રહ્યો છું. આ અણધારી સ્થિતિ છે, પરંતુ પરિવાર ચલાવવા માટે મારે કંઈકનું કંઈક તો કરવું પડશે'.

ગુજરાત ઓટો ડ્રાઈવર્સ એકશન કમિટીના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતું કે, અનેક રજૂઆતો કરવા છતાં રાજય સરકારે સ્કૂલ વાનના માલિકો માટે કોઈ આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી નથી.

એક વર્ષ દરમિયાન, કોવિડ-૧૯ના દર્દીઓને મેડિકલ કેર પૂરી પાડવા માટે ૨૦૦ જેટલી વાનને સંજીવની રથમાં પરિવર્તિત કરાઈ છે, તેમ અસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું. જો કે, કેસમાં ઘટાડો થતાં, ઘણાનો કોન્ટ્રાકટ ખતમ કરવામાં આવ્યો હતો, તેમ અસોસિએશનના અધિકારીએ કહ્યું હતું.

(10:23 am IST)