Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

માસ્ક દંડ અડધો થશે તો પ્રજાના દરરોજના રૂ. ૫૦ લાખ બચશે

એક વર્ષમાં કોરોના નિયમ નહીં પાળી ૨૫૦ કરોડ ચૂકવ્યા છતાં દરરોજ ૧૦,૦૦૦ લોકો દંડાય છે

અમદાવાદ તા. ૨૮ : કોરોનાના નિયમપાલન નહીં કરતાં નાગરિકો સામે કડક પગલાં ભરવા માટે દંડ વસૂલાત તેમજ ગુના નોંધવામાં આવી રહ્યાં છે. ગુજરાત સરકારે માસ્ક દંડ ઘટાડીને અડધો એટલે કે ૫૦૦ રૂપિયા કરવા માટે હાઈકોર્ટ પાસે રજૂઆત કરી છે.

માસ્ક દંડ અડધો કરવામાં આવશે તો ગુજરાતના પ્રજાજનોના દરરોજના ૫૦ લાખ રૂપિયા બચશે. ગુજરાતમાં સરેરાશ દરરોજ ૧૦૦૦૦ લોકો પાસેથી કોરોના નિયમભંગ માટે માસ્ક દંડ વસુલવામાં આવે છે તે અડધો થતાં લોકોને રાહત થશે.

જો કે, કોરોનાના નિયમ નહીં પાળીને ૨૫૦ કરોડ રૂપિયા જેટલી તોસ્તાન રકમ એક વર્ષમાં ભરપાઈ કર્યાં પછી પણ દરરોજના ૧૦૦૦૦ નાગરિકો દંડાઈ રહ્યાં છે. અમદાવાદમાં ૭૫૦૦૦ સહિત રાજયમાં ૫.૧૩ લાખ લોકો કોરોના નિયમભંગ માટે ગુના નોંધાતાં આરોપી બન્યાં છે. કોરોનાનો ત્રીજા વેવ ઘાતક બનવાની ભીતિ વચ્ચે સ્વયંશિસ્તના અભાવની ચાડી પૂરતાં દંડ અને ગુના નોંધાયાંના આંકડાથી લોકજાગૃતિ વધે જે જરૂરી જણાય છે.

કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક છે. આમ છતાં, ઘણાં ખરાં લોકો તેનો અમલ કરતાં નથી. આ કારણે જ અમદાવાદમાં દરરોજ ૨૫૦૦દ્મક વધુ લોકો દંડ ભરે છે આૃથવા તો ગુના નોંધાતાં આરોપી બને છે. ગુજરાત રાજયમાં દરરોજ ૧૦૦૦૦ લોકો પાસેથી દંડ વસુલાત કે ગુનાની નોંધણી થાય છે.

છેલ્લા પખવાડિયાથી કોરોનાનો ભય ઓસર્યો છે ત્યારે ગુજરાત સરકારે માસ્ક નહીં પહેરવા કે અન્ય કોરોના નિયમોનો ભંગ કરવા બદલ દંડની રકમ ૧૦૦૦ રૂપિયામાંથી ઘટાડીને ૫૦૦ રૂપિયા કરવા હાઈકોર્ટમાં રજૂઆત કરવા નિર્ણય કર્યો છે. સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો મુજબ, સંભવતૅં આગામી અઠવાડિયા દંડની રકમ ૫૦૦ રૂપિયા થઈ શકે છે. જો દંડની રકમ અડધી એટલે કે ૫૦૦ રૂપિયા થઈ જાય તો ગુજરાતમાં દરરોજ દંડાતા સરેરાશ અંદાજે ૧૦૦૦૦ લોકોના  ૫૦ લાખ રૂપિયા બચી જશે.

કોરોનાના નિયમપાલન કરાવવા અમદાવાદ શહેરમાં પોલીસ કડક કાર્યવાહી કરતી રહે છે. આ કારણે જ અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ૭૫૫૧૫ ગુના નોંધીને અત્યાર સુધીમાં ૮૩૯૯૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ જાહેરનામા ભંગની એફઆઈઆર નોંધીને ૫.૧૩ લાખ લોકોની આરોપી તરીકે અટકાયત થઈ ચૂકી છે. કોરોનાના નિયમનું પાલન કરાવવા માટે ગુજરાતમાં દરરોજ સરેરાશ એક કરોડ રૂપિયા જેટલી દંડ વસુલાત થાય છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના નિયમભંગ અને માસ્ક દંડપેટે ૨૪૭ કરોડ રૂપિયા જેવી તોસ્તાન વસૂલાત થઈ ચૂકી છે. કુલ ૩૬ લાખ લોકો સામે ગુના નોંધાયાં છે તેમાંથી ૬.૮૬ લાખ લોકો સામે તો કફર્યૂ ભંગના ગુના નોંધાયાં છે. જયારે સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરવા બદલ ૫.૧૩ લાખ લોકો સામે ગુના નોંધાયાં છે.

વાહન ચલાવતી વખતે માસ્ક નહીં પહેરવા કે યોગ્ય રીતે માસ્ક નહીં પહેરવા બદલ ૧૦૧ કરોડ રૂપિયાનો દંડ વસુલાયો છે. ગુજરાત પોલીસ તંત્ર તરફથી કડક દંડ વસુલાત અને ગુના નોંધવાની કાર્યવાહી છતાં અનેક લોકોમાં સુધારો આવતો નથી એટલે દરરોજ ૧૦૦૦૦ લોકો કાયદાતળે દંડાતા રહે છે.

(10:22 am IST)