Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વડોદરામાં VoIP એક્સચેન્જથી ચાલતા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ : ATSને મળી મોટી સફળતા

VOIP દ્વારા ઇન્ટરનનેટ કોલ રુટિંગ કરતો હતો :સહજાદ મહંમદ રફીક મલેક નામનો આરોપી ઝડપાયો

વડોદરા : ગુજરાત ATSએ VoIP એક્સચેન્જથી ચાલતા જાસુસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. વડોદરામાં VoIP એક્સચેન્જનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી મળી હતી. અને તેના આધારે ATSએ દરોડા પાડતા ઈન્ટરનેશનલ ફોન કોલ રૂટિંગનો પર્દાફાશ કર્યો છે.

આ માટે ATSએ વડોદરા SOGની પણ મદદ લીધી હતી. આ બંને એજન્સીએ વડોદરાના વાસણા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. વાસણા વિસ્તારની દુકાન-નં 30માં કે, જે સિદ્ધાર્થ એક્સેલન્સના નામથી ચાલી રહી હતી. પરંતુ દરોડા દરમિયાન VoIP એક્સચેન્જથી જાસૂસીનું કૌભાંડ સામે આવ્યું હતું. તો સ્થળ પર શહેજાદ મહંમદ રફીક મલેક નામના એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે.

આરોપી શહેજાદની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પોલીસને જાણવા મળ્યું કે મહારાષ્ટ્રના ભાયંદરમાં રહેતો જીની અનીલ ઉર્ફે નોઆહ વાસવાની આ દુકાનનો ભાડૂઆત છે. અને તેના સાગીરતો આમીર ઉર્ફે હારૂન અબ્દુલ માજીદ નાટવાની, ઇસાક સચીન રાજ ભેગા થઇને ઇન્ટરનેશનલ કોલ રૂટીંગ કરવા માટે કોમ્પ્યુટર તથા જીઓના વાઇફાઇ તથા રાઉટર ગોઠવી ગેરકાયદેસર VoIP એક્સચેન્જ બનાવીને મહારાષ્ટ્રથી ઓપરેટ કરતા હતા. VoIP એક્સચેન્જ ચલાવવુ રાષ્ટ્રના અર્થતંત્રને નુકસાન કરે છે.

આરોપીઓ ગેરકાયદેસર VoIP એક્સચેન્જનો ઉપયોગ કરવાનું એટલા માટે પસંદ કરે છે કે, VoIP એક્સચેન્જથી કરવામાં આવતો કોલ ઓરિજીનલ આંતરરાષ્ટ્રીય નબરનું કોઇ નિશાન છોડતો નથી. જેથી કોઇને ખ્યાલ આવતો નથી કે, કોલ ક્યાંથી થયેલો છે. આવી રીતે VoIP એક્સચેન્જ ચલાવવા ઇન્ડીયન ટેલિગ્રાફ એક્ટ હેઠળ ગેરકાયદેસર છે. આવી રીતે VoIP એક્સચેન્જ ચલાવવુ રાષ્ટ્રના અર્થતંત્રને નુકસાન કરે છે અને રાષ્ટ્રની સરુક્ષા સામે પણ ખતરો ઉભો કરે છે. આ બાબતની ગંભીરતાને લઇ એટીએસની ટીમે આરોપી શહેજાદ મહંમદ રફીક મલેકની ધરપકડ કરી. તેમજ ગુનામાં વપરાયેલા જીઓફાઇ રાઉટર, વાઇફાઇ રાઉટર, સીપીયુ વગેરે જપ્ત કર્યાં છે. સાથે જ વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસની વિવિધ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.

(11:13 pm IST)