Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કોરોના નિયત્રણમાં આવે પછી શાળાઓ ખુલશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

શાળાઓ ખોલવા અંગે હાલ કોઈ વિચાર નથી : કોરોનાની બીજી લહેર બેશક ઓછી થઈ ગઈ હોય, પરંતુ ખતરો હજી ટળ્યો નથી, બાળકોના માથા પર હજી ઘાત છે

ગાંધીનગર,તા.૨૭ : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બેશક ઓછી થઈ ગઈ હોય, પરંતુ ખતરો હજી ટળ્યો નથી. બાળકોના માથા પર હજી પણ ઘાત છે. આવામાં ગુજરાતમાં ઓનલાઈન શિક્ષણ કાર્ય તો શરૂ થઈ ગયુ છે, પરંતુ શાળાઓ ક્યારે શરૂ થશે તે હજી જાહેરાત થઈ નથી. ત્યારે આ વિશે મુખ્યમંત્રીએ ગુજરાતમાં ફરી શિક્ષણ શરૂ કરવા અંગે નિવેદન આપ્યુ છે.  તેમણે કહ્યુ કે, ગુજરાતમા શાળાઓ ખોલવા અંગે હાલ કોઈ વિચાર નથી.

     કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવે તે પછી જ વિચારણા કરીશું. તબક્કાવાર શિક્ષણ શરૂ થાય તેવી વિચારણા કરીશું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે દ્વાદશ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે આજે સવારે ભક્તિભાવપૂર્વક આરતી અને પૂજન અર્ચન કર્યા હતા. સાથે જ કોરોના મહામારીની ત્રીજી લહેર આવે જ નહિ અને સૌનું આરોગ્ય સુખાકારી જળવાઇ રહે તેમજ ગુજરાત સોમનાથ દાદાની કૃપા આશિષથી વિકાસ, પ્રગતિની રહે સતત આગળ વધી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના ભગવાન સોમનાથના ચરણોમાં કરી હતી.

(8:35 pm IST)