Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

કોંગ્રેસના મોટાનેતાઓ અલ્પેશ ઠાકોરનું રાજકીય કદ ઘટાડવા ષડ્યંત્ર કરતા હોવાનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આરોપ

કોંગ્રેસના આગેવાનો હાઈકમાન્ડ પાસે પોતાના પદ ટકાવી રાખવા અલ્પેશને બદનામ કરે છે

 

અમદાવાદ :ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ ગેરલાયક ઠેરવવા કોંગ્રેસ હાઇકોર્ટમાં પહોંચી છે અને અલ્પેશ ઠાકોરે હાઇકોર્ટમાં સોગંધનામુ રજૂ કર્યું છે જેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે, તે હજુ પણ કોંગ્રેસના ધારાસભ્ય છે ત્યારે તેમના સાથી ધવસિંહ ઝાલા દ્વારા પણ કોંગ્રેસના મોટાનેતાઓ પર તેમનું રાજકીય કદ ઘટાડવા ષડયંત્રનો આક્ષેપ કરાયો છે

  કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે, કોંગ્રેસ અલ્પેશ ઠાકોરના રાજીનામા માટે હાઈકોર્ટમાં ગઈ તેજ મોટી નવાઈની વાત છે, ભૂતકાળમાં કેટલાએ કોંગ્રેસના નેતાઓએ પાર્ટી વિરોધી કામો કર્યા છે. પરંતુ કોંગ્રેસ ક્યારે હાઈકોર્ટમાં ગઈ નથી. અને અલ્પેશ ઠાકોરનુ રાજીનામું લેવા આટલા ટુંકા સમયમાં હાઈકોર્ટમાં પહોંચી ગઈ તેના પરથી સ્પષ્ટ લાગે છે કે, અલ્પેશનું કદ કોંગ્રેસમાં મોટુ થયું હતું.
  
તેમણે કહ્યું કે, ક્યાંકને ક્યાંક તેમને ભય હતો કે તે હાલના કોંગ્રેસના આગેવાનોને નુકશાન પહોંચાડી શકે છે, એટલે કે કોંગ્રેસના હોદ્દેદારોને તેમના પદ જોખમમાં હોય તેવું લાગી રહ્યું હતું, તેજ કારણથી અલ્પેશને કોંગ્રેસના હોદ્દેદારો બદનામ કરતા હતા તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે

   તેમણે અલ્પેશના રાજીનામા મુદ્દે વાત કરતા કહ્યું કે, અલ્પેશ ઠાકોરે માત્ર સોશિયલ મીડિયા પર કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું, ધારાસભ્ય પદ પરથી નહીં. જેથી કોંગ્રેસ હાઈકોર્ટમાં જઈ પોતાનું ખોટુ વલણ બતાવી પ્રજાને ગુમરાહ કરી રહી છે તે સ્પષ્ટ દેખાય છે.
  
ધવલસિંહે કહ્યું કે, જે લોકસભા સીટો પર સહેલાઈથી કોંગ્રેસ જીતી શકે તેમ હતી, ત્યાં પણ ષડયંત્રોના પ્રતાપે હારી ગઈ છે. હવે હાર બાદ કોંગ્રેસના આગેવાનો હાઈકમાન્ડ આગળ પોતાના પદ ટકાવી રાખવા અલ્પેશને બદનામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આજે પણ હું અને અલ્પેશ કોંગ્રેસના ધારાસભ્ય છીએ. અમારૂ જે રીતે પાર્ટીમાં પ્રભૂત્વ વધતુ હતું તે જોઈ તેમનું કદ પાર્ટીમાં નાનુ થઈ જાય તેની ચિંતામાં કોંગ્રેસના આગેવાનો બધુ કરી રહ્યા છે.

(12:29 am IST)