Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

બિટકોઈન કેસ : પોતાની સામે ફરિયાદ કરવા ડાભીની અરજી

ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ : ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને કોઇપણ પ્રકારની રાહત આપવાનો કરેલો ઇનકાર : સુરત પોલીસને નોટિસ

અમદાવાદ,તા.૨૮ : રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર બિટકોઇન કેસમાં ભરૂચના એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)ના આરોપી પીઆઇ(પોલીસ ઈન્સપેકટર) લવ ડાભીએ પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કવોશીંગ પિટિશન દાખલ કરી છે. જો કે, હાઈકોર્ટે આરોપી પીઆઇને કોઇપણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે આ કેસમાં સુરત પોલીસને ઔપચારિક નોટિસ જારી કરી અરજીની વધુ સુનાવણી તા.૧૪મી જુલાઈના રોજ રાખી હતી. બિટકોઇન કેસમાં હાલમાં હાઈકોર્ટમાં અનેક રિટ અરજીઓ એક સાથે ચાલી રહી છે, જેમાં શૈલેષ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ રદ કરવાની પિટિશનની સુનવણી સોમવારના રોજ નીકળનારી છે, જ્યારે પ્રથમ ફરિયાદના આરોપી સુરતના વકીલ કેતન પટેલે પણ જામીન અરજી મુકી છે જેની સુનાવણી પણ સોમવારે હાથ ધરાય તેવી શકયતા છે. જ્યારે પ્રથમ કેસમાં પકડાયેલા અને હાલમાં સાબરમતી જેલમાં રહેતા કિરીટ પાલડીયાએ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી, જે અરજી આજે સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે બિટકોઇનના નામે એનસીઆર કોઈન બજારમાં મુકી લોકો સાથે છેતરપિંડી કરતા ગેંગ સામે ગુનો નોંધ્યો છે. પહેલી ફરિયાદ રૂ. ૧૪ કરોડની હતી પણ હવે આ આંકડો વધી ૭૦ કરોડને પાર કરી ગયો છે.  સીઆઈડીના પ્રથમ ફરિયાદમાં પકડાયેલા અમરેલીના એસપી જગદીશ પટેલ, પોલીસ ઈન્સપેકટર અનંત પટેલ સહિતના પોલીસ કર્મચારીઓ સામે ચાર્જશીટ કરતા અગાઉ સીઆરપીસી ૧૯૭ પ્રમાણે રાજ્ય સરકારની મંજુરીની જરૂર હોવાથી સીઆઈડી ક્રાઈમ દ્વારા ગૃહ વિભાગ પાસે મંજુરી માંગવામાં આવી છે. જો ૧૯૭ની મંજુરી વગર ચાર્જશીટ થાય તો તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને કોર્ટમાં ફાયદો થાય અને તેઓને કોર્ટ છોડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ એન્કાઉન્ટર કેસમાંસીબીઆઈ દ્વારા ૧૯૭ની મંજુરી લીધી નહોતી જેનો ફાયદો તમામ આરોપી પોલીસ અધિકારીઓને થયો હતો. જેથી હવેસીઆઇડી ક્રાઇમ દ્વારા સરકારની મંજૂરી માંગવામાં આવી છે કે જેથી કેસમાં કોઇ કડી કાચી ના રહી જાય.

 

(8:15 pm IST)