Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવાઃ હોબાળા મચાવનારા મારા સમર્થકો ન હતાઃ નિરવ બક્ષી

અમદાવાદઃ કોંગ્રેસમાંથી સસ્‍પેન્‍ડ કરાયેલા નિરવ બક્ષીઅે જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં હોબાળો કરનારા મારા સમર્થકો ન હતા.

અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ચાલુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હોબાળો મચાવ્યા બાદ કાર્યાલયમાં તોડફોડ કરવા મામલે નિરવ બક્ષીએ પ્રતિક્રિયા આપી છે. આ અંગે નિરવ બક્ષીએ કહ્યું કે પ્રદેશ પ્રમુખ સમક્ષ મારા સમર્થકો રજૂઆત કરવા ગયા હતા, પરંતુ કાર્યાલયમાં તોડફોડ કરનારા મારા સમર્થકો ન હતા. ઉલ્લેખનીય છે કે કાર્યાલયમાં તોડફોડ કરવા મુદ્દે નિરવ બક્ષી સહિત 8 લોકોને સસ્પેડ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા નિરવ બક્ષીએ કહ્યું કે કોંગ્રેસ કાર્યાલયમાં બનેલી ઘટના દુઃખદ છે. મને અન્યાય થતાં મારા સમર્થકો પ્રમુખ પાસે રજૂઆત કરવા ગયા હતા, જો કે કાર્યાલયમાં તોડફોડ કરનારા મારા સમર્થકો ન હતો. સાથે જ નિરવ બક્ષીએ કહ્યું કે પાર્ટીમાં લોકશાહી હોવાથી અમે રજૂઆત કરવા ગયા હતા. તો ભાજપમાં જોડાવવાની વાત પર નિરવ બક્ષીએ જણાવ્યું કે સસ્પેન્શન અંગે ફેરવિચારના કરવા હું પ્રમુખને વાત કરીશ અને ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવા છે. હું કોંગ્રેસનો સૈનિક છું અને હંમેશા રહીશ.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની આગેવાની હેઠળ અમદાવાદ શહેર પ્રમુખની નિમણૂક અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કોંગ્રેસ દ્વારા શશીકાંત પટેલની નિમણૂક કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરિષદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરવાના હતા. આ દરમિયાન અચાનક કેટલાક કોંગી કાર્યકર્તાઓ નારેબાજી કરતાં કરતાં ધસી આવ્યા હતા. કાર્યકર્તાઓના નારે બાજી પરથી લાગી રહ્યું હતું કે તેઓ કોંગ્રેસના નેતા નિરવ બક્ષીના સમર્થક હતા, આ કાર્યકર્તાઓ યુવા નેતા નિરવ બક્ષીને અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ બનાવવાની માગ કરી રહ્યાં હતા. શહેર પ્રમુખ બનવા માટે નિરવ બક્ષી ટોચના દાવેદાર માનવામાં આવી રહ્યાં હતા.

(4:14 pm IST)