Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

કલોલમાં યુવા વેપારી અશોક પટેલની હત્‍યાના ઘેરા પડઘાઃ કોમી તંગદિલીઃ મૃતકના પુત્રનો અગ્નિસ્નાનનો પ્રયાસ

ફોટોઃ kalol ajampabhari shanti

કલોલઃ કલોલ ખાતે એક પટેલ યુવક પર હુમલો કરી મોત નીપજાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અશોક પટેલ નામના યુવાન વેપારીની હત્યા બાદ સમગ્ર વિસ્તામાં કોમી તંગદીલી સર્જાયેલી છે.

ગાંધીનગર જિલ્લાના કલોલથી 10 કિમી દૂર આવે છત્રાલ ગામમાં રવિવારે 50 વર્ષીય વેપારીની માર મારીને હત્યા કરવામાં આવી હતી જે બાદ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં કોમી તંગદીલી સર્જાઈ હતી અને મંગળવારે કડી શહેરમાં બંધનું પણ એલાન કરવામાં આવ્યું હતું.

તો મંગળવારે પટેલના પરિવારજનો અને કેટલાક એક્ટિવિસ્ટોએ કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે દેખાવ કર્યો હતો અને ત્યારબાદ પ્રાર્થના શરુ કરી હતી. જોકે અચાનક જ પથ્થરમારો શરુ થતા તેમાં એક સ્થાનિક પત્રકાર પણ ઘવાયો હતો. તો મૃતકના પુત્ર અંકિત પટેલે પણ અગ્નિસ્નાનનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે અને આસપાસ હાજર બીજા લોકએ તેનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

છત્રાલ GIDCના એસોસિએશન સભ્ય ગિરિશ પટેલે ક્હયું કે, ‘ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં એસોસિએશનના સભ્યો અને વેપારીઓ દ્વારા ચારવાર જિલ્લા કલેક્ટર અને રાજ્યના ઇન્ડસ્ટ્રી વિભાગ, રેન્જ આઈજી અને એસપી સહિતના અધિકારીઓ સમક્ષ આવેદન આપી ચૂક્યા છે કે આ વિસ્તારમાં સતત ગેરકાયદે પ્રવૃત્તિઓ વધી રહી છે અને કેટલાક માથાભારે તત્વો ખુલ્લી તલવાર તેમજ છરા સાથે જાહેરમાં દિવસ-રાત ફરતા હોય છે. ગમે તે વેપારીને અટકાવીને તેમની પાસેથી હપ્તા વસૂલે છે. જોકે હજુ સુધી કોઈજ એક્શન લેવામાં નથી આવ્યા. જ્યારે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો છે.

જોકે ગાંધીનગર જિલ્લાના ડે.SP વિજય પટેલે કહ્યું કે, ‘હુ મૃતકના પરિવાર સાથે સંપર્કમાં છું અને જિલ્લામાં ક્યાંય કોમી તંગદીલી નથી. ઉલ્લેખનીય છે કે માર્ચની શરુઆતમાં ફરઝાન સૈયદ નામના મસ્લીમ યુવક પર પર તલવાર વડે અને તેની માતા પર છરા વડે કેટલાક અજાણ્યા વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

(4:13 pm IST)