Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટનું ગાંઘીનગર ખાતેથી વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

આ પ્લાન્ટ દરરોજ ૫૦૦ મિલીલીટરની ૧.૫ લાખ બોટલોનું ઉત્પાદન કરશે:ખેડૂતની એક બોરીની તાકાત હવે એક બોટલમાં સમાશે: દેશભરમાં વધુ ૮ પ્લાન્ટ શરૂ કરાશે

ગાંધીનગર :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમળ દ્વારા ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે વિશ્વના પ્રથમ નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રસાયણ મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા, રાજ્ય સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી ઉદઘાટન કરાયુ.

આ પ્રસંગે કલોલ ખાતે ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંધાણી સહિત ઈફકોના ઉચ્ચ અઘિકારીઓ વર્ચ્યુયલી જોડાયા હતા.
પ્રધાનમંત્રીએ અંદાજે રૂ.૧૭૫ કરોડ ખર્ચે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન  કર્યુ. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના થઇ છે. આ પ્લાન્ટ દરરોજ ૫૦૦ મિ.લી.ની ૧.૫૦ લાખ બોટલોનું ઉત્પાદન કરશે. આવનારા સમયમાં દેશભરમાં વધુ ૮ પ્લાન્ટ સ્થાપવાની પણ યોજના છે. જેનાથી વિદેશથી આયાત ઘટી આત્મનિર્ભરતા વધશે.

 આ ઇનોવેશન માત્ર નેનો યુરિયા સુધી સીમિત ન રહી અન્ય ફર્ટિલાઇઝરનો પણ સમાવેશ થશે.ખેડૂતોની આવક બમણી કરવા અને પ્રદૂષણ નિયંત્રણના ઉદ્દેશ્યથી સ્થાપિત આ નેનો યુરિયા પ્લાન્ટ દેશના ખેડૂતો માટે ફાયદાકારક નીવડશે. નેનો યુરિયા ખેડૂતોનો ખર્ચ ઓછો અને ફાયદો વધુ કરાવશે. એક બોટલ (૫૦૦ મિલી) નેનો યુરિયા દાણાદાર યુરિયાની એક બોરી બરાબર છે. જેના પરિણામે કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો થશે. એટલુ જ નહી પરિવહન અને સંગ્રહમાં પણ કિફાયતી અને સુવિધાજનક છે. આ નેનો યુરિયા લીકવીડ પાણી, હવા અને માટીના પ્રદૂષણમાં ઘટાડો કરશે. ઉપરાંત સસ્તું અને અસરકારક, ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો કરશે અને બધા માટે સુરક્ષિત પણ છે

(10:03 pm IST)