Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

હોટેલ-રેસ્ટોરા સંચાલકો રાજય સરકારથી થયા નારાજઃ ૯ વાગ્યા સુધી જ ટેક અવેની છૂટછાટથી ભારે અસંતોષ

ડાઇનિંગ હોલ ચલાવતા હતા તે લોકો માટે હોમ ડીલીવરીઓમાં ખાસ કોઈ કમાણી હોતી નથી

અમદાવાદ,તા. ૨૮: હોટલ ઉદ્યોગ અને રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા લોકો માટે કરફ્યુમાં રાતે નવ વાગ્યા સુધી ટેકઅવે અને હોમ ફૂડ ડિલિવરી માટે છૂટ આપવામાં આવી છે. પણ  હોટેલ ઉદ્યોગકારો સરકારના આ નિર્ણયથી પણ નારાજ છે. કારણકે આટલી છૂટછાટથી હોટેલ કે રેસ્ટોરા ઉદ્યોગ મુશ્કેલીઓમાંથી બહાર  આવી શકે તેમ નથી.

૧૫ મહિનાથી મસમોટું નુકશાન જો કોઈને વેઠવાનો વારો આવ્યો હોય તો તે હોટલ અને કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આવ્યો છે. લાખો લોકો બેકાર બન્યા છે.મોટાભાગના લોકોએ તો બેન્કમાંથી લોન લઈને હોટેલો ખોલી હતી અને હવે કોરોનાકાળમાં આ હોટલો બંધ કરવાનો વારો આવતા હોટલ માલિકોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે.

જે ડાઇનિંગ હોલ ચલાવતા હતા તે લોકો માટે હોમ ડીલીવરીઓમાં ખાસ કોઈ કમાણી હોતી નથી અને વેઈટર અને ફૂડ બનાવનારા કારીગરોના પગાર પણ નીકળતા નથી. હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય વ્યવસાય જેવા કે દૂધ ફ્રુટ અને મસાલા જેવા વ્યવસાયકારો પણ હોટલ ઉદ્યોગ બંધ થવાથી અસર પડી છે'જે સમયે હોટલમાં  કસ્ટમર આવે તેવા સમયે તો કરફ્યૂ હોવાથી લોકો જમવા આવતા નથી' સરકાર આ બાબતે કંઈ વિચારતી પણ નથી.

સરકાર કોરોનાકાળમાં હોટલ ઉદ્યોગ કારોને રાહત આપે સાથે વીજળી બિલ અને ટેક્ષમાં રાહત આપે તેવી માંગ પણ ઉઠી છે. આ સાથે સરકાર જે પણ નીતિ નિયમનો કહે તે મુજબના પાલન સાથે હોટલો શરૂ કરવા દેવામાં આવે તેવી માંગ હોટલ ઉદ્યોગકારોએ કરી છે.

(10:11 am IST)