Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

અબુધાબીથી આવેલા 133 ભારતીય શ્રમિકોને રાજપીપળામાં ક્વૉરન્ટાઇન કરાયા : સુવિધા મામલે માથાકૂટ

દુબઈથી મોંઘી ચોકલેટો લાવેલા શ્રમિકે કહ્યું કે મને ચોકલેટ મુકવા ફ્રીઝ આપો,આવી એસી,ફ્રીઝ જેવી કેટલીક વધુ સુવિધા માંગનાર સાથે અધિકારી સાથે માથાકૂટ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. લોકડાઉનને પગલે ભારતમાંથી અન્ય દેશોમાં રોજીરોટી માટે ગયેલા અને ફસાયેલા લોકો પોતાના વતનમાં આવવા સરકારને આજીજી કરી રહ્યા છે.

 

      સરકારની ગાઈડલાઈન મુજબ વિદેશમાંથી આવતા લોકોને ફેસિલિટી ક્વૉરન્ટાઇન કરવા,ત્યારે આ ફેસિલિટી ક્વૉરન્ટાઇન માટે ફ્રી માં સરકારી વ્યવસ્થા તો હોય જ છે પણ જો કોઈકને VIP સુવિધાઓ જોઈતી હોય તો જે તે વિસ્તારમાં આવેલી હોટેલમાં વ્યક્તિએ પોતાના ખર્ચે જવાની સરકારે જોગવાઈ કરી છે એની માટે તંત્રએ હોટેલ સાથે અમુક ભાવ પણ ફિક્સ કર્યા છે. 27 મી મેં ના રોજ અબુધાબીથી ગુજરાતના 133 શ્રમિકો વિમાન માર્ગે વડોદરા, અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાંથી એમને એરપોર્ટ પર સ્ક્રીનિગ કરી બસ મારફતે રાજપીપળાની આદર્શ નિવાસી શાળા ખાતે ફેસિલિટી ક્વૉરન્ટાઇન માટે લવાયા હતાં.
          દરમિયાન એ શ્રમિકો પૈકીના અમુક લોકોએ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ પાસે VVIP સગવડની માંગ કરતા મામલો ગરમાયો હતો,સ્થાનિક અધિકારીઓએ સમજાવવા છતાં મામલો થાળે ન પડતા વડોદરાના કરજણ તાલુકાના મિલન પટેલ અને નર્મદા જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. કશ્યપ વચ્ચે શબ્દિક ઘર્ષણ પણ થયું હતું. ડો.કશ્યપ દ્વારા મિલન પટેલને એમ સમજાવવામાં આવ્યું હતું કે સરકાર તરફથી મળતી સુવિધા મામલે મેં અગાઉથી જ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે, સરકાર તમને આનાથી વધુ સુવિધા ન આપી શકે જો તમારે જવું હોય તો હોટેલમાં પણ જઈ શકો છો. તો એની સામે મિલન પટેલે એમ જણાવ્યું કે અમે મધ્યમ વર્ગના લોકો ખર્ચ કેવી રીતે કરી શકીએ તમે અમને અહીંયા જ વ્યવસ્થા કરી આપો.આમ આ શ્રમિકોએ આરોગ્ય વિભાગને સાથ સહકાર ન આપતા આરોગ્ય અધિકારીઓ દ્વિધામાં મુકાયા હતા. મિલન પટેલે એવો આક્ષેપ લગાવ્યો હતો કે અહીંયા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે, સરકાર તરફથી કોઈ સારી સુવિધા નથી મળી.
         આ મામલે નર્મદા જિલ્લા એપેડેમીક ઓફિસર ડો.કશ્યપે જણાવ્યું હતું કે મિલન પટેલને અહીંયા ફ્રીઝ, AC ની સુવિધા જોઈએ છે. એ એમ કહે છે કે હું દુબઈથી મોંઘી ચોકલેટો લાવ્યો છું એ ઓગળી જશે, મારે એને ફ્રીઝમાં મુકવી છે તો એની વ્યવસ્થા કરો આવી માંગણીઓ કરે છે અને બીજા લોકોને પણ ઉશ્કેરે છે. વિદેશ માંથી આવતા લોકોને રાખવા નર્મદા જિલ્લામાં સરકારી અને પ્રાઇવેટ હોટેલમાં કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે એની તમામ જાણકારી અમે અગાઉથી જ આપી દીધી છે. ત્યારે એ વ્યક્તિને મેં એમ પણ કહ્યું કે તમે પ્રાઇવેટ હોટેલમાં પણ જઈ શકો છો, હું તમને મંજૂરી અપાવું છું તો આ બાબત એમને મંજુર નથી.એમને ફેસિલિટી ક્વૉરન્ટાઇનમાટે વડોદરા જવું હતું પણ મંજૂરી ન મળી એટલે હવે આમ કરે છે.

(7:03 pm IST)