Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ધો.12 વિજ્ઞાન પ્રવાહ સહિત તમામ સર્ટિફીકેટોનું અમદાવાદની વિવિધ શાળાઓમાં વિતરણ કાર્યનો પ્રારંભ

અમદાવાદ: આજથી ધોરણ 12 સાયન્સની માર્કશીટ સહિત તમામ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી માર્કશીટ, કેરેક્ટર સર્ટિફિકેટ, બોનાફાઈટ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી મેળવી શકશે. શિક્ષણ વિભાગના દિશા-નિર્દેશો મુજબ તકેદારી રાખવા શાળાઓએ તૈયારીઓ કરી લીધી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, વિદ્યાર્થીઓ ફરજીયાત માસ્ક પહેરે અને શાળા પર સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા તેવી કડક સૂચનાઓ તમામ શાળાઓને શિક્ષણ વિભાગે આપી છે. માર્કશીટ આપવા માટે 10-10 ના ગ્રુપમાં વિદ્યાર્થીઓને બોલાવવા માટે સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે. અડધા અડધા કલાકના અંતરે વિદ્યાર્થીઓને ફોન કરીને શાળાઓએ બોલાવવાના રહેશે. વિદ્યાર્થીઓના ગ્રુપ ફોટો, રાસ ગરબાનું આયોજન શાળામાં ન થાય તેવી સ્પષ્ટ સૂચના અપાઈ છે.

A+ ગ્રેડ કદમ માર્કશીટ લેવા પહોંચ્યો 

આજથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ સહિત તમામ સર્ટિફિકેટનું વિતરણ અમદાવાદની વિવિધ શાળાઓમાં શરૂ કરાયું છે. અમદાવાદ શહેરમાં કદમ ધર્મેશભાઈ દરજી A+ ગ્રેડ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી છે. જે આજે તેની સ્કૂલ પર માર્કશીટ લેવા પહોંચ્યો હતો. વિજય નગર સ્કૂલમાં અભ્યાસ કરતા કદમે A ગ્રુપમાં 99.97 પરસેન્ટાઇલ મેળવ્યા છે. ગણિતમાં 93, ફિઝિક્સ 96, કેમેસ્ટ્રી 97 ગુણ મેળવ્યા છે.  જાન્યુઆરીમાં લેવાયેલી JEEની પરીક્ષામાં તેણે 94 પરસેન્ટાઇલ મેળવ્યા હતા. તેના માતા ઈન્દિરાબેન અને પિતા ધર્મેશભાઈ ગુજરાત કોલેજ પાસે દરજી કામ કરે છે. કદમે પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા અને શિક્ષકોને આપ્યો છે. રોજની 9 થી 10 કલાકની મહેનત બાદ મેળવેલા પરિણામથી કદમ અને તેના માતા-પિતાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

વડોદરામાં પણ આજે ધો 12 સાયન્સ ના વિદ્યાર્થીઓને માર્કશીટ અને પ્રમાણપત્ર વિતરણ કરાશે. તમામ શાળાઓ આજથી વિતરણ શરૂ કરશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા શાળાઓએ કરી લીધી છે. બપોરે 12 થી 2 માં મોટાભાગની શાળાઓ વિતરણ કરશે. જેના માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ફરજિયાત માસ્ક પહેરીને આવવુ પડશે.

(5:12 pm IST)