Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ભરૂચમાં રમઝાન મહિનાની ઉજવણીમાં નર્મદા નદીના પટ્ટમાં હજારો લોકો ઉમટી પડતા પોલીસને બોલાવવી પડી

ભરૂચ: હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે, તો બીજી તરફ કોરોનાનો કહેર છે. આવામાં વારંવાર અપીલ કરવામાં આવે છે કે, રમઝાન ની ઉજવણી ઘરમાં રહીને કરવી. કોરોના સંક્રમણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતા વાર લાગતી નથી. તેમ છતાં લોકો લોકડાઉનના નિયમોનું પાલન કરતા નથી. ત્યારે ગઈકાલે મોડી સાંજે  ભરૂચમાં આવી જ એક ઘટના બની હતી. ભરૂચમાં લોકડાઉન વચ્ચે ફુરજા બંદર નર્મદા નદી કાંઠે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. મોટી માત્રામાં ભેગા થયેલા લોકો પાછળ પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. જેના બાદ નાસભાગ મચી હતા. પોલીસે અસંખ્ય લોકોને નદી કાંઠેથી ભગાડ્યા હતા.

હાલ ચારેબાજુ રમઝાનની ઉજવણી બંધ છે, તેથી ભરૂચના ફુરજા બંદર પાસે રહેતા મુસ્લિમો મોડી સાંજે રમઝાનની ઉજવણી કરવા નર્મદા નદીના કાંઠે પહોંચી ગયા હતા. લોકડાઉનના કારણે ઇદ પર રસ્તાઓ કે બગીચાઓમાં ફરવા ન જઇ શકતા લોકો નર્મદા નદીના પટમાં પહોંચ્યા હતા. જોતજોતામાં અહી હજારોની સંખ્યામાં મુસ્લિમો પહોંચી ગયા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતા જ આખો કાફલો પહોંચી ગયો હતો અને લોકોને નદી કાંઠેથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો. તો પોલીસને જોઈને જ લોકોએ દોટ મૂકી હતી, જેને પગલે નાસભાગ પણ થઈ હતી.

(5:11 pm IST)