Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

દક્ષિણ ગુજરાત ઉપર 3 અને 4 જુને વાવાઝોડુ ત્રાટકે તો ખેતરોમાં કાપણી માટે પડેલો ડાંગરનો 70 ટકા પાક અને બાગાયતી પાકોને નુકશાન થવાની ખેડૂતોમાં ચિંતા

સુરત: આગામી 3 અને 4 જુનના રોજ દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. વાવાઝોડાની આગાહીના પગલે ખેતરોમાં કાપણી માટે પડેલો ડાંગર નો ૭૦ ટકા પાક અને બાગાયતી પાકોને પણ નુકશાન થવાની ભીતિ ખેડૂત આલમમાં સેવાઈ છે. જો દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકે તો આશરે 500 કરોડનું નુકશાન ખેડૂતોને સહન કરવાનો વારો આવી શકે છે. જ્યાં વાવાઝોડા ની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વાવાઝોડું ફરી ગુજરાતના કાંઠા વિસ્તારોને ધમરોળે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આગામી ચાર-પાંચ દિવસોમાં વાવાઝોડું સુરતમાં ટકરાય તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં બની રહેલી સાઈક્લોનિક સિસ્ટમને કારણે 4 જુનની આસપાસ ટકરાય સુરતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારો વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાને કારણે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત પર ચક્રવાતના નુકસાનની મોટી ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તલ, કેરી, ડાંગરના પાકને રૂપિયા 500 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ચક્રવાત સુરત તરફ ન ત્રાટકે તે માટે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.

કેરળથી દુર અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, જે વાવાઝોડું સક્રિય થયા બાદ દક્ષિણ ગુજરાત પર ત્રાટકી શકે છે. જે આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પર જો વાવાઝોડું ત્રાટકશે તો તેની સીધી અસર ડાંગર સહિત બાગાયાતી પાકો પર થઈ શકે છે. જેને લઈ ખેડૂત આલમ ચિંતામાં સરી પડ્યો છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ ડેલાડે જણાવ્યું છે કે વાવાઝોડુ અને ગાજવીજ સાથે જો વરસાદ પડે તો ખેતરમાં કાપણી માટે રહેલ ૭૦ ટકા ડાંગરના પાક ને નુકશાન થઈ શકે છે. સાથે જ બાગાયાતી પાકોને પણ નુકશાન થવાની ભીતિ છે. જેમાં કેરીના આશરે 200 કરોડના પાકને પણ મોટું નુક્શાન થવાની ભીતિ છે. કોરોનાની મહામારીના કારણે કેરીનો મોટાભાગનો પાક હજી પણ આંબા પર છે, જે ઉતારી શકાયો નથી. જેથી દક્ષિણ ગુજરાત પર વાવાઝોડાની અસર વર્તાઈ તો ખેડૂતોને 500 કરોડનું નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે. વાવાઝોડાની અગાહીને ટાળવા ખેડૂતો હાલ કુદરત પાસે પ્રાર્થના કરી રહ્યાં છે.

જયેશ ડેલાડે જણાવ્યું કે, હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ ડાંગર અને તલના પાક ઉભા છે. 70 ટકા કેરીઓ હાલ ઝાડ પર છે, જે ઉતારવાની બાકી છે. ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનો પાક દક્ષિણ ગુજરાતમાં થાય છે. દક્ષિણ ગુજરાતના ખેતરોમાં હાલ ડાંગરનો પાક ઉભો છે. હાલ ડાંગર કાપવાનું કામ ચાલુ છે, જો આવામાં વરસાદ પડે તો ઢોરને પાક ખવડાવી દેવો પડે. હાલ દક્ષિણ ગુજરાતમાં ડાંગર કપાવવા માટે 1 થી 2 કિલોમીટર લાંબી લાઈનો લાગેલી છે. પ્રાંતની અડધી ડાંગર કપાઈ ગઈ છે, અડધી બાકી છે. તો બીજી તરફ, લોકડાઉનને કારણે ડાંગર કાપવા માટે મજૂરોની પણ અછત છે. તો સાથે જ કપાયેલી ડાંગર ગોડાઉનમાં મૂકવાની બાકી છે, જો અધવચ્ચે તે બગડી જવાની શક્યતા છે.

ડાંગર કાપવા માટેના મજૂરો મહારાષ્ટ્રમાંથી આવે છે, જેઓ હાલ લોકડાઉનને કારણે આવ્યા નથી. તો સાથે જ તલનો પાક પણ તૈયાર છે. જે કાપવાનો બાકી છે. તલને કાપીને સૂકવવા પડે છે, જો વરસાદ પડે તો તલનો પાક પણ બગડી જાય. આવામાં વાવાઝોડું ત્રાટકે તો ખેડૂતોને મોટુ નુકસાન જાય તેવી સ્થિતિ છે.

(5:09 pm IST)