Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

આગોતરા 'વાવણી' શરૂ : મગફળીના વાવેતરનું આકર્ષણ

શાસ્ત્રોકત દ્રષ્ટિએ ૨૧ જુનથી આદ્વા નક્ષત્ર બેસે છે, તે વખતથી ચોમાસાની જમાવટ થશે : હવામાન શાસ્ત્રીઓની દ્રષ્ટિએ જુનના પ્રારંભે વરસાદના યોગઃ ૨ જુન ભીમ અગીયારસે વરસાદ થઇ જાય તો વાવણી શુકનિયાળ

રાજકોટ તા. ૨૮: રાજ્યમાં ઉનાળો બરાબર જામી ગયો છે. ચોમાસુ સામે દેખાઇ રહ્યુ છે. ખેડૂતોએ ખરીફ પાકની વાવણીની તૈયારી કરી છે. જેના ખેતરોમાં કુવા કે કેનાલના કારણે પાણીની સુવિધા છે તેવા ખેડૂતોએ આગોતરી વાવણીની શરૂઆત કરી દીધી છે.  આ વખતે મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય તેવો વર્તારો છે. સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળી મુખ્ય ચોમાસુ પાક છે. કપાસ લાંબા ગાળાનો પાક છે. તેના પ્રમાણમાં મગફળી ટુંકા ગાળાનો પાક છે અને ગયા વર્ષે ખેડૂતોને વળતર સારૂ મળ્યુ છે તેથી ખેડુતોને આ વર્ષે મગફળીમાં કસ દેખાઇ છે.

સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર થતુ હોય છે. મગફળીનો પાક ત્રણેક મહિનામાં તૈયાર થઇ જાય છે. અત્યારે સમયસર વરસાદની આશાથી સિંચાઇની સુવિધાવાળા ખેડુતોએ કપાસ અને મગફળીની આગોતરા વાવણી શરૂ કરી છે. ૧૫ થી ૩૦ દિવસમાં વરસાદની  જરૂર રહે છે. જો સમયસર વરસાદ થઇ  જાય તો વાવણી ઉગી નીકળે છે અને વરસાદ સમયસર ન થાય તો વાવણી નિષ્ફળ જવાનો ભય રહે છે. આગોતરા વાવણીથી પાક એકાદ મહિનો વહેલો તૈયાર થતો હોવાથી ખેડૂતો  શિયાળુ પાક  વહેલો લઇ શકે છે. શિયાળામાં ઘઉં, ચણા, જીરૂ વગેરેનું વાવેતર કરવામાં આવે છે. તા.૨ જુને મંગળવારે ભીમ અગીયારસ છે. તે વખતે અપેક્ષા મુજબ વરસાદ થઇ જાય તો તે દિવસની વાવણી શુકનિયાળ ગણાય છે.

ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના પહેલા પખવાડીયામાં સારા વરસાદની શરૂઆત થતી હોય છે. આ વખતે હવામાન   શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ જૂનના પ્રારંભે સારા વરસાદની સંભાવના છે. વરસાદ માટે શાસ્ત્રોકત દ્રષ્ટિએ ૧૦ નક્ષત્રોનું મહત્વ છે. તે પૈકી પ્રારંભનું આદ્રા નક્ષત્ર વિશેષ મહત્વ ધરાવે છે. આ વર્ષે ૧૫ દિવસનું આદ્વા નક્ષત્ર તા. ૨૧જુન રાત્રે ૧૧.૩૦ વાગ્યાથી બેસે છે. તે સમયગાળામાં રાજ્યમાં ચોમાસાની જમાવટ થઇ જવાની આશા છે. ખેડુતોએ કોરોનાના વાતાવરણ વચ્ચે ખેતરો ખેડી સારા ચોમાસાની આશા સાથે મેઘરાજાની  વધામણી કરવાની તૈયારી આગળ વધારી  છે.

(11:39 am IST)