Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

મામલતદાર એન્ડ કંપની બે દિવસના રિમાન્ડ પર

અગાઉ એડવાન્સ લીધેલા ૨૦ હજારની રકમ કબ્જે કરવા તજવીજઃ તમામના નિવાસસ્થાનોએ સર્ચ ઓપરેશન : નવસારીના મામલતદાર હજુ પ્રોબેશ્નર જ હતા, તમામ નવા નિશાળીયા છતા કપરાકાળમાં કરપ્શનના રવાળે ચઢેલા લોકોને આગળ આવવા કેશવકુમારની અકિલા માધ્યમથી અપીલ

રાજકોટ, તા., ર૮: માટીના હેરફેર કરવા માટે ટ્રકોની મંજુરી હોવા છતા, ટ્રકો જપ્ત કરી તે છોડવા માટે નવસારી મામલતદાર યશપાલ ગઢવી એન્ડ કંપનીએ સૌ પ્રથમ રૂ. દોઢ લાખ તથા ત્યાર બાદ એક લાખ દસ હજારમાં સેટલમેન્ટ કર્યા બાદ ર૦ હજારની એડવાન્સ રકમ મેળવ્યા બાદ બાકીના નેવુ હજાર લાંચની રકમ એક-બીજાની મદદથી  મેળવવાના આરોપસર એસીબી હાથે ઝડપાયેલા મામલતદાર, સર્કલ ઓફિસર નાયબ મામલતદાર અને કલાર્ક સહીત તમામને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં એસીબી વડા કેશવકુમારે જણાવેલ કે ઉકત તમામ હજુ નવા નિશાળીયા જેવા છે, મામલતદાર તો પ્રોબેશ્નર પીરીયડમાં હોવા છતા આવા કોરોના કાળની પરિસ્થિતિમાં લોકો એક બીજાને મદદરૂપ બની રહયા છે.  વેપાર-ઉદ્યોગની સ્થિતિ તકલીફવાળી છે તેવા સમયે આ રીતે લાંચ લઇ લોકોને લુંટવા  જેવુ અધમકૃત્ય કોઇ રીતે માફ થઇ શકે તેવું નથી.

તેઓએ લોકોને પણ અપીલ કરતા જણાવ્યું છે કે 'તમારી પાસે કોઇ લાંચ માંગે ત્યારે તેઓના તાબે થવાના બદલે એસીબીનો સંપર્ક સાધો, તમોને સંતોષ ન થાય તો મારો (કેશવકુમાર)નો સીધો સંપર્ક કરો'. તેઓએ વિશેષમાં જણાવેલ કે મામલતદાર, સર્કલ ઓફીસર, નાયબ મામલતદાર અને કલાર્કના  નિવાસસ્થાન અને ઓફીસની ઝડતી કરવામાં  આવી હતી. તેઓએ જણાવેલ કે મામલતદારથી લઇ આખી કંપની કરપ્શનમાં  ભેગી હોય ત્યારે કોણ કોને ફરીયાદ કરે તેવી સ્થિતિ નિર્માણ થઇ હતી. તેઓએ જણાવેલ કે આમ ઉગતી કારકીર્દી મુરજાઇ જાય તેનું દુઃખ છે પરંતુ આવી રીતે લોકોને લુંટનાર  સામે હળવાશથી જોઇ ન શકાય.

(11:38 am IST)