Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

અર્બન હેલ્થ સેન્ટરોમાં રસી સહિતની દવાના ધાંધિયા છે

લોકોને બહારની મોંઘી દવા ખરીદવાની ફરજઃ કેટલાક હેલ્થ સેન્ટરો ઉપર બાળકોની રસીનો જથ્થો ખૂટી પડતાં વાલીઓને હાલાકીનો ભોગ બનવું પડે છે : અહેવાલ

અમદાવાદ,તા. ૨૮: અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેકટનું ઉદ્ઘાટન કરાય છે, પરંતુ જે તે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા બાદ તેની સારસંભાળમાં રસ દાખવતું નથી. શહેરના ગરીબ વર્ગના લોકોની આરોગ્ય સુખાકારી માટે સત્તાધીશો ધુમધડાકાભેર અર્બન હેલ્થ સેન્ટર બનાવે છે, પરંતુ ત્યાં બાળકોની રસી સહિતની સંબંધિત દવાઓના વારંવાર ધાંધિયાં સર્જાતાં હોઇ નિર્દેાષ નાગરિકોને બહારની મોંઘી દવા ખરીદવી પડે છે. કેટલાક હેલ્થ સેન્ટરો પર બાળકોની રસીનો જથ્થો ખૂટી પડતાં વાલીઓને ભારે હાલાકીનો ભોગ બનવુ પડતુ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. શહેરમાં હજુ એક વર્ષ પહેલાં ૬૪ અર્બન હેલ્થ સેન્ટર હતાં, જે હવે વધીને ૭૧ અર્બન હેલ્થ સેન્ટર થયાં છે. આ અર્બન હેલ્થ સેન્ટરની વિવિધ સેવાનો આશરે ૬૧ લાખથી વધુ સ્લમ વસ્તીના લોકો લાભ લે છે. અર્બન હેલ્થ સેન્ટરમાં કુટુંબ કલ્યાણની સેવા, પ્રસૂતિ માતાની સેવા, બાળકોને ત્રિગુણી, પોલિયો, બીસીજી, બી પ્રકારનો કમળો, ઓરી વિરોધી રસી, માતા-બાળક માટે શક્તિની ગોળી, બાળકોની આંખોના તેજ માટે વિટામિન 'એ'ની ગોળી, બાળકોને તાવ, ખાંસી, ઝાડા-ઊલટી, ન્યુમોનિયા જેવા રોગની સારવાર, મેલેરિયા, ટીબી, જાતીય રોગ, રક્તપિત્ત સહિતના રોગનું નિદાન તેમજ સારવાર અને રાજ્ય સરકારની ચિરંજીવી યોજના, જનની સુરક્ષા યોજના, બાલસખા યોજના જેવી વિવિધ યોજનાના લાભાર્થીને નિદાન સહિતની સારવારના લાભ અપાય છે. પરંતુ અર્બન હેલ્થ સેન્ટરમાં હંમેશાં દવાના ધાંધિયા હોય છે. બીજી તરફ પૂર્વ અમદાવાદનાં કેટલાંક અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર ફરજ પ્રત્યે બેદરકાર હોવાનું જાણવા મળ્યુ છે. આધારભૂત વર્તુળો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, અમ્યુકો તંત્ર પાસે અર્બન હેલ્થ સેન્ટરોમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પણ પૂરતી સંખ્યામાં નથી. મોટા ભાગના એમએચડબલ્યુ કોન્ટ્રાકટ પર કામ કરે છે. આ કોન્ટ્રાક્ટરની મુદત પણ ગત તા.૩૧ ડિસેમ્બર, ર૦૧૭એ પૂર્ણ થઇ ગઇ છે. આરસીએચ (રિપ્રોડકિટવ ચાઇલ્ડ હેલ્થ) હેઠળ માસિક રૂ.૮પ૦૦નું વેતન મેળવતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે રાજ્ય સરકાર દ્વારા માત્ર પ૪ જગ્યા મંજૂર કરાઇ છે, જોકે તાજેતરમાં કમિશનર મુકેશકુમાર દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ર૦૦ જગ્યાને કાયમી કરવા રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલય પાસે લેખિત માગણી કરાઇ છે. પરંતુ આ તમામ પ્રક્રિયા અને અભાવ વચ્ચે નિર્દોષ નાગરિકો તંત્રના વાંકે અર્બન હેલ્થ સેન્ટરમાં બાળકોની રસી સહિતના દવાઓને લઇ હાલાકીનો ભોગ બની રહ્યા છે અને મોંઘીદાટ દવા બહારથી ખરીદવા મજબૂર છે.

(10:11 pm IST)