Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

આડેધડ રસ્તાને ખોદનારના નામો વેબસાઇટ ઉપર મુકાશે

કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયોઃ નાગરિકો વ્યકિગત ધોરણે આવી એજન્સીઓ કે કંપની-કોન્ટ્રાકટરો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી શકશે

અમદાવાદ,તા. ૨૮: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નઘરોળ તંત્રના કારણે ગમે ત્યારે ગમે તે રસ્તાનું પાણી, ગટર કે સ્ટોર્મ વોટર લાઇન બિછાવવા માટે બેફામ રીતે ખોદકામ કરાય છે. જે તે પાઇપલાઇન નખાયા બાદ ઘણા દિવસો સુધી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદાયેલા રસ્તાને સમતળ કરાતો નથી. આ ઉપરાંત વીજળી, ગેસ, ફોન જેવી યુટિલિટીના મામલે પણ ખાનગી એજન્સીઓ દ્વારા આડેધડ રસ્તાનું ખોદકામ કરીને ત્યાં પણ ખોદાયેલા રસ્તાને 'જૈસે થે' મૂકી દેવાય છે. આ પ્રકારના અણઘડ આયોજનથી સ્થાનિક લોકો વારંવાર હાલાકીમાં મુકાઇ જાય છે ત્યાર હવે અમ્યુકો તંત્રની વેબસાઇટમાં યુટિલિટીના ઓઠા હેઠળ આડેધડ રોડ ખોદનારી ખાનગી એજન્સીની વિગત મુકાવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. અમ્યુકોની વેબસાઇટ પર આવી એજન્સીઓ અને ખાનગી કંપની-કોન્ટ્રાકટરોના નામ મૂકાતાં તેઓની વિરૂધ્ધ નાગરિકો પણ કાર્યવાહી કરી શકશે. અમદાવાદ જેવા મેગા સિટીમાં અમ્યુકો તંત્રની અમી નજરથી કોન્ટ્રાકટરને જલસા થઇ રહ્યા છે. અનેક વાર સવારે ઊઠીને નાગરિક ઘરઆંગણે દશ-પંદર ફૂટના ખાડા ખોદાયેલા જોઇને હેબતાઇ જાય છે. દિવસો સુધી તંત્રના કોન્ટ્રાકટરનું કામ પૂર્ણ થતું નથી અને આ ખાડા પુરાતા નથી. બીજી તરફ વીજળી, ગેસ અને ફોન વગેરે યુટિલિટીની પાઇપલાઇન બિછાવનારી ખાનગી એજન્સીની કામગીરીથી પણ લોકો નારાજ છે. ખાનગી એજન્સીને તંત્ર દ્વારા ચોકકસ નિયમોના આધારે રોડ ખોદવાની પરમિટ એટલે કે રોડ ઓપનિંગ પરમિટ (આરઓ) અપાય છે, પરંતુ અનેક કિસ્સામાં ખાનગી એજન્સી દ્વારા આરઓ પરમિટના નિયમોનો ભંગ કરાય છે. તે વખતે તંત્ર દ્વારા માત્ર પેનલ્ટી વસૂલીને સંતોષ માની લેવાય છે. જોકે રોડ ઓપનીંગની કામગીરી કરતી ખાનગી એજન્સીઓ સામે વ્યાપક ફરિયાદ ઊઠતાં તંત્ર ગંભીર બન્યું છે. આગામી ચોમાસા પહેલાં આરઓ પરમિટને લગતી કામગીરી આટોપાઇ જાય તેવી કડક સૂચના તમામ ઝોનના ઇજનેર વિભાગને અપાઇ છે. નાગરિકો પોતાના વોર્ડ કે ઝોનમાં ચાલતી ખાનગી એજન્સીની રોડ ઓપનીંગની કામગીરીથી વાકેફ થાય એ માટે ઇજનેર વિભાગને આને લગતી વિગત તંત્રની સત્તાવાર વેબસાઇટ પર મૂકવાની તાકીદ કરાઇ છે અને પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા આ દિશામાં કવાયત આરંભાઇ છે. ટૂંક સમયમાં શહેરના સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનના નાગરિકો ખાનગી એજન્સીને અપાયેલી રોડ પરમિટની વિગતને વેબસાઇટ પર નિહાળી શકશે અને વ્યકિગત ધોરણે આવી એજન્સીઓ-કંપની-કોન્ટ્રાકટરો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી શકશે.

(10:05 pm IST)