Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સ્ટ્રીટલાઇટના થાંભલાની સાથે અથડાતાં બાઇક ચાલકનું મોત

ગોતા બ્રીજ ઉતરતી વખતે અકસ્માત સર્જાયોઃ દુર્ઘટનામાં યુવકની પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા

અમદાવાદ,તા. ૨૮:  વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે, પરંતુ અનેક અમદાવાદીઓ આ નિયમનું પાલન નથી કરતા અને હેલ્મેટ પહેર્યા વગર જ વાહન ચલાવે છે, જેના કારણે ઘણી વખત લોકોએ જિંદગી ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. ગઈ કાલે મોડી રાતે ગોતાબ્રિજ ઉતરતાં એક બાઈકચાલક યુવકે વાહન પરનો કાબૂ ગુમાવતાં બાઈક સ્ટ્રીટલાઇટના પોલ સાથે અથડાયું હતું. હેલ્મેટ ન પહેરેલું હોવાના કારણે બાઇકચાલક યુવકને માથામાં ગંભીર ઈજા થતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું, જયારે બાઈકની પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા થતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં. આ સમગ્ર બનાવ અંગે પોલીસે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.     આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, થલતેજ ગામમાં આવેલ ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા જીણાભાઈ કોરી (ઉ.વ.પ૦)નો પુત્ર કૃષ્ણકુમાર ઉર્ફે કિશન (ઉ.વ.રર) ગઈકાલે મોડી રાતે તેનું બાઈક લઇને તેમના મકાનના પાછળના છાપરામાં રહેતાં પિન્કીબહેન દંતાણી (ઉ.વ.૩૦)ને બાઈક પાછળ બેસાડી ગોતાબ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. દરમ્યાનમાં બ્રિજ ઉતરતા સમયે કૃષ્ણકુમારે બાઈક પરથી કાબૂ ગુમાવતાં બાઈક ડિવાઈડર સાથે અથડાઈને સ્ટ્રીટલાઇટના પોલ સાથે અથડાયું હતું. હેલ્મેટ ન પહરેલ હોવાના કારણે કૃષ્ણકુમારને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે પિન્કીબહેનને પણ મોઢાના ભાગે ઈજાઓ થવા પામી હતી. બંનેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમ્યાન બાઇકચાલક યુવક કૃષ્ણકુમારનું કરૂણ મોત નીપજયુ હતું. એ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, બાઇકચાલક યુવકના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.

(10:03 pm IST)