Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સુરતમાં ૪૨ કરોડના ખર્ચે ૬૦૦ સીસીટીવી કેમેરા બાજ નજર રાખશેઃ હજુ ૧૦૨ કરોડના ખર્ચે ૧૩૦૭ કેમેરા લગાવવા રાજ્ય સરકારમાં દરખાસ્ત

સુરતઃ સુરતને અદ્યતન બનાવવા માટે સીસીટીવીથી સજ્જ કરવાની દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે. સુરતમાં બનતા ગુનાને અટકાવવા અને તેનો ભેદ ઉકેલવા માટે છ વર્ષ પૂર્વે સેઇફ સિટી સુરતના નામે શહેરના અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રારંભ કરાયો હતો. જેમાં 42 કરોડના ખર્ચે 600 કેમેરા શહેરમાં ઠેર ઠેર ઇન્સટોલ કરી દેવામાં આવ્યા છે. આ કેમેરાને ક્રાઈમ કન્ટ્રોલ અને ગુનાનો ભેદ ઉકેલવામાં સારી રીતે ઉપયોગ થતો હોવાના કારણે હવે વધું 102 કરોડના ખર્ચે 1,307 કેમેરા લગાવવાની દરખાસ્ત રાજ્ય સરકારને કરવામાં આવી છે.

2012ના વર્ષમાં સુરતને સીસીટીવીથી સજ્જ કરવાનો સમાર્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 42 કરોડના ખર્ચે 600 કેમેરા કાર્યરત થઈ ચૂક્યા છે. જેનો ક્રાઇમ કન્ટ્રોલ અને ડિટેક્શનમાં સારો લાભ હોવાનું જણાતા હવે 102 કરોડ રૂપિયાના ખર્ચે વધુ 1,307 કેમેરા લગાવવાની દરખાસ્ત રાજ્ય સરકારમાં કરવામાં આવી છે. આ દરખાસ્ત સમયસર મંજૂર થાય તો માર્ચ 2019માં આ પ્રોજેક્ટ પૂરો કરવાનો આશાવાદ પણ તંત્ર રાખી રહ્યું છે.

સુરતના તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાના અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના આગેવાનોએ સાથે મળી શહેરને સલામત બનાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. છ વર્ષના અંતે રૂ. 42 કરોડના ખર્ચે 600 કેમેરા લગાવવામાં આવ્યા છે. પહેલા તબક્કાનો આ પ્રોજેક્ટ પૂરો થયો. ક્રાઇમને અટકાવવામાં અને ડિટેક્ટ કરવામાં કેમેરા આશીર્વાદરૂપ સાબિત થયા. તેમાં પણ છેલ્લે રૂ. 20 કરોડના હીરાની લૂંટ થઈ તેમાં સીસીટીવી કેમેરાની ભૂમિકા મહત્ત્વની રહી. આ વાતની નોંધ રાજ્ય સરકારે પણ લીધી. ત્યારે, હવે શહેરમાં થતાં હાઇટેક ગુના ઉકેલવામાં વધુ સરળતા રહે તે માટે વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હાથ ધરવાનું પ્લાન સરકાર કરી રહી છે.

શહેરમાં અત્યારે 600 જેટલા કેમેરા કામ કરી રહ્યા છે. પરંતું, અત્યારે જે વિસ્તારમાં કેમેરા છે તેમાં પૂરું શહેર આવરી લેવાયું નથી. પુરા શહેરને આવરી લેવા માટે હજુ 1,307 કેમેરાની જરૂર છે. આ વાતને કેન્દ્રમાં રાખી પોલીસ કમિશનર સતીશ શર્મા અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક વિસ્તૃત દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આ દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે. જે દરખાસ્ત મંજૂર થયા બાદ સંપુર્ણ સુરત શહેર કેમેરાની નિગરાનીમાં આવશે.

સામાન્ય રીતે કોઇપણ ગુનાની ઘટના બને તો તેનો ભેદ ઉકેલવામાં કેમેરા મદદરૂપ બને છે એટલું જ નહીં પણ ચેઇન કે મોબાઇલ સ્નેચિંગ કરનારા ગુનેગારો જે વિસ્તારમાં કેમેરા નથી તે વિસ્તારમાં ગુનો કરતા થઈ ગયા છે. એટલે કે ગુના બનતા પણ અટકી રહ્યા છે. તેવા સમયે વધુ કેમેરાની જરૂરિયાતને ધ્યાને લઈ આ દરખાસ્ત કરવામાં આવી છે. પ્રત્યેક પોલીસ મથકના વિસ્તારમાં કેટલા કેમેરાની આવશ્યકતા છે? મુદ્દે સરવે કર્યા બાદ દરેક પોલીસ મથકમાં કેટલા કેમેરાની જરૂર છે? તેની વિગતના આધારે 1,307 કેમેરાની જરૂરીયાત હોવાનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે.

સીસીટીવી કેમેરાના કારણે મેમો આપવાનો પ્રારંભ કરાયો હતો. આ રીતે ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વાહનચાલકને ઘરે મેમો પહોંચી જતો હતો. આ રીતે પાંચ વર્ષમાં કુલ 105 કરોડ જેટલો દંડ વસૂલી રાજ્ય સરકારમાં જમા કરાવ્યો છે. જેના બદલામાં રાજ્ય સરકારે રૂ. 10 કરોડ સુરતને ફાળવ્યા છે. આ ટ્રાફિક નિયમન માટે 150 કેમેરા કામગીરી કરશે. જેમાં સ્પીડ કન્ટ્રોલ, નંબર પ્લેટ સ્કેનિંગ વગેરેનો સમાવેશ થાય છે.

(6:44 pm IST)