Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

નર્મદા ડેમમાં ૧પ દિ'માં ત્રણેક ફુટ નવુ પાણી આવ્યુ,ચોમાસામાં ૧૩૦ મીટર ઉપર જાય તો વિક્રમી સપાટી

આજની સપાટી ૧૦પ.૬૭ મીટરઃ મધ્ય પ્રદેશે પાણી છોડતા ગુજરાતને ફાયદો

રાજકોટ તા. ર૮ :.. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના આધારિત સરદાર સરોવર ડેમમાં મધ્ય પ્રદેશ તરફના  નવા નીરની આવક વધી છે. મધ્ય પ્રદેશે વિદ્યુત ઉત્પાદન માટે પાણી છોડતા છેલ્લા ૧પ દિવસમાં ગુજરાતના નર્મદા ડેમમાં ૩ ફુટથી વધુ નવુ પાણી આવ્યું છે.

એક પખવાડીયા પહેલા ડેમની સપાટી ૧૦૪.૪પ મીટર હતી તે આજે ૧૦પ.૬૭ મીટર છે. પખવાડીયામાં ૧.રર મીટર જેટલો વધારો નોંધાયો છે. હાલ રોજની  સરેરાશ ર. સે.મી. પાણીની નવી આવક અને ૪ સે.મી.  પાણીની જાવક (વપરાશ) છે. ચોમાસા સુધી પીવાના પાણીની કોઇ તકલીફ ન હોવાનું સરકારી સૂત્રો જણાવે છે.

નર્મદા ડેમ પર દરવાજા ચડાવ્યા પછીની  પછીની કુલ સપાટી ૧૩૮ મીટર થઇ છે. અત્યાર સુધી સૌથી વધુ ૧૩૦.૬૭ મીટર જેટલી જળ સપાટી ગયા વર્ષે થયેલ. જો આ વર્ષે મધ્ય પ્રદેશ તરફ ધોધમાર વરસાદ પડે તો નર્મદા ડેમની જળસપાટી ગયા વર્ષે કરતા વધી જશે. સારા ચોમાસાના સંકેત જોતા આ વખતે આખો ડેમ ભરાઇ જવાની સરકારને આશા છે.

(4:16 pm IST)