Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પારકા છોકરાઓને હોંશે-હોંશે શાળા પ્રવેશોત્સવ કરાવતા આઇપીએસ અફસરોને હવે પોતાના સંતાનોના એડમીશનની ચિંતા સતાવે છે

શનિ-રવિ ચાતક નજરે રાહ જોયા બાદ, આજે વધુ એક વખત નિસાસો નાખ્યોઃ જીપીએસ અને આઇપીએસની બદલીના વિલંબે ઘણી પારિવારિક સમસ્યાઓ સર્જી દીધી : જો કે પીએસઆઇ અને પીઆઇ સહિતના જીપીએસ કક્ષાના અધિકારીઓ માટે પણ પોતાના પુત્ર-પૌત્રીઓના એડમીશનની ચિંતાઓ જડબુ ફાડીને ઉભી છેઃ તમામ સ્તરે ડીપીસી થઇ ગઇઃ ર૦૧૯ની લોકસભાની ચુંટણીના કારણે સરકારી કાર્યક્રમોની વણજારોને લીધે પીએસઆઇથી લઇ : એડીશ્નલ ડીજી સુધીની બઢતી માટે ગાંધીનગરને સમય ન મળતા ગુજરાતના અધિકારીઓ માનસીક રીતે દિવસે-દિવસે વધુને વધુ ભાંગી રહયા છે

રાજકોટ, તા., ૨૮: ગુજરાતના ટોપ ટુ બોટમ પીએસઆઇથી પીઆઇને ડીવાયએસપી તથા આઇપીએસ લેવલના એસપીઓથી માંડી એડીશ્નલ ડીજીપી અને ડીજીપી કક્ષા સુધી તમામ અધિકારીઓને હવે સારા પોસ્ટીંગની સાથોસાથ ઉકત તમામ લેવલે બઢતી-બદલીની પ્રક્રિયામાં સર્જાયેલ ભારે વિલંબને કારણે પારીવારીક સમસ્યાઓનું સર્જન થયું છે.

આ સમસ્યાઓમાં સૌથી મોટી સંમસ્યા  વેકેશન પુર્ણ થવામાં છે. નવુ શૈક્ષણીક સત્ર ટુંકમાં શરૂ થશેે ત્યારે હજુ સુધી બઢતી અને ખાસ કરીને બદલીના હુકમો ન થવાને કારણે મોડા-મોડા જયારે બદલી-બઢતીના  કોઇ પણ જીલ્લા કે શહેરમાં મુકતા હુકમો થશે ત્યારે પોતાના સંતાનો માટે કંઇ સ્કુલ કે કઇ કોલેજમાં એડમીશન મેળવવું તેની પસંદગી માટે બહુ સમય ન રહેતા ઉતાવળે નિર્ણય કરવા પડશે.

એટલું જ નહિ જે તે શાળા કોલેજોમાં  એડમીશનની પ્રક્રિયા મહદ અંશે પુર્ણ થઇ ગઇ હોવાથી પોતાના હોદાના ઉપયોગ દ્વારા એડમીશન માટે લાચારી કરવી પડશે. અધુરામાં પુરૂ પોતાના સંતાનોનો અભ્યાસ બગડશે. નવા શહેરમાં તાત્કાલીક સરકારી આવાસ ન મળતા સારા એરીયામાં ભાડાના ફલેટ કે મકાન  માટે પણ દોડધામ રહેશે. આવા ફલેટ કે મકાનો સંતાનોની સ્કુલ-કોલેજથી નજદીક હોય તેવી બધી બાબતો ધ્યાનમાં લેવી પડશે આમ સરકારની અનિર્ણીયતાના કારણે ભારે પારિવારિક સમસ્યાનું સર્જન થયું છે.

નવાઇની વાત એ છે કે અત્યાર સુધી એવું કહેવાતું કે બઢતી આપવા માટે ડીપાર્ટમેન્ટલ પ્રમોશન કમીટીની જે બેઠક (ડીપીસી) મળવી જોઇએ તે માટે ઉચ્ચ અધિકારીઓને સમય ન હોવાથી મળતી નથી. હવે જયારે આવી બેઠક તમામ સ્તરે મળી છે. ત્યારે સરકારે પોતાના તમામ પ્રોજેકટ માટે રાત-દિ' પક્ષના કાર્યકરોની જેમ દોડતા અધિકારીઓની સમસ્યાઓ માટે પણ સમય કાઢવો જરૂરી છે.

ર૦૧૯ની ચુંટણીઓને કારણે રાજય સરકાર સુજલામ-સુફલામ જળ સ્ત્રોત યોજના દ્વારા લોકોના મનમાં પોતાની છાપ અમીટ કરવા માંગે છે. આ કાર્યમાં તમામ સચીવોની સાથોસાથ ખુદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ ગળાડૂબ હોવાથી આઇપીએસની બદલી-બઢતીની જીપીએસ અધિકારીઓની બઢતી-બદલી માફક નિકાલ થતો નથી. 

જેની ચર્ચા કરવાનો અખબારોએ અને અધિકારીઓએ લગભગ લાંબા સમયથી બંધ કરી દીધું છે. તેવી આ બઢતી-બદલીની કાર્યવાહી તંત્ર જાણે ભુલી ગયું હોય તેવી હાલત થઇ ગઇ છે.

અધિકારી લેવલે વાત કરીએ તો તમામ સ્તરે બદલીમાં અને બઢતીમાં થયેલા ઘોર વિલંબને કારણે માનસીક હતાશા દિવસે-દિવસે વધતી જાય છે. પોતાની બદલીઓ છે  અને બીજે જવાનું છે તેવું મનોમન લાંબા સમયથી જાણી ચુકેલા જીપીએસ અને આઇપીએસ અધિકારીઓ જતા-જતા કોઇ વિવાદમાં ન ફસાઇ જવાય  તે માટે રૂટીન કામગીરી સિવાયપોલીસી લેવલના નિર્પયો લેવાનું ટાળી રહયા છે. આવી ફાઇલો લઇને જનારા સ્ટાફને એવું કહેવામાં આવે છે કે   'આ બધુ છોડો, નવા સાહેબ આવે ત્યારે તેમની પાસે મુકજો'

આવી માનસીકતા સુચવે છે કે ઉકત અધિકારીઓને એ વાતની ખાતરી છે કે બદલીઓ થશે પણ કયારે અને કયાં? તેનું અનુમાન કરવા સિવાય આરો-વારો નથી.  પ્રવર્તમાન સરકારમાં કોઇ છાતી ઠોકીને પોતાની બદલી ચોક્કસ જગ્યાએ થશે તેવું  કહી શકવાની કોઇ પણ અધિકારી ચોક્કસ અપવાદ બાદ કરતા એ સ્થિતિમાં નથી. આનુ કારણ પણ ખુબ જ રસપ્રદ છે.

રાજય સરકારની અને કેન્દ્રની ગુડસ બુકમાં રહેલ  ગુજરાત કેડરના એક ગુજરાતી આઇપીએસ છેલ્લા ઘણા વર્ષોથી સરકારની  ખુબ  નજીક હતા. અત્યાર સુધી તેઓ પોતાના મિત્રોને પોતે પોતાનું ધાર્ય થાય છે તેવું કહેતા આ અધિકારીને બઢતી મળનાર છે. તેઓ શુભેચ્છકોને લાંબા સમયથી આજે કે કાલે પોતાનો ઓર્ડર થશે તેવું છેલ્લા  બે માસથી ગૌરવ પુર્વક જણાવવા સાથે સારા શહેરમાં સીપી પણ બનશેે તેવું જણાવતા  પરંતુ આ અધિકારીની નિવૃતી આડે લાંબો સમય ન હોય હવે આ અધિકારીને મળ જગ્યાએ જ  બઢતી લઇને બેસી રહેવું પડે તો નવાઇ નહિ. આ નાની વાત ઘણુ સુચવી જાય છે.

(3:56 pm IST)