Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

લે બોલ :સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ નહી રમવા દેવાતા છોકરાઓએ નોંધાવી હેલ્પલાઇનમાં ફરિયાદ

સમગ્ર સોસાયટીના તમામ મેમ્બરની સાઇન સાથે લખાણ નહિ મળતા બાળકોની જીત

અમદાવાદઃ આજકાલ બાળકોને રમવા માટે જગ્યા મળવાનો પ્રોબ્લેમ છે રમવા માટેની ખુલ્લી જગ્યાઓની ભારે અછત છે.સોસાયટી અને તેના વાહનોના પાર્કિંગ તમામ જગ્યાઓ રોકી લે છે ત્યારે અમદાવાદની એક સોસાયટીમાં કોમન પ્લોટમાં છોકરાઓને રમવા નહીં દેવાતા ફરિયાદ કરી હતી .

   અમદાવાદમાં જીવરાજ મહેતા હોસ્પિટલની સામે આવેલ યશકમલ સોસાયટીના ધો.8માં ભણતા 14 વર્ષના જયશિલ શાહ અને તેના મિત્રોને સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ રમવા બાબતે સોસાયટીના અન્ય રહેવાસીઓ દ્વારા અનેકવાર વિરોધનો સામનો કરવો પડતો હતો. અનેકવાર તેમને ક્રિકેટ રમવા ન દેવામાં આવતા અંતે જયશિલે નક્કી કર્યું કે તે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર-1098 પર ફોન કરી મદદ મેળવશે. આ હેલ્પલાઇન ખાસ બાળકો માટે શરુ કરવામાં આવી છે.

   જયશિલે આ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવતા દાવો કર્યો કે તેઓ ક્રિકેટ ન રમે તે માટે પડોશીએ તેમનું બેટ, બોલ અને સ્ટમ્પ પણ ઝુંટવી લીધા હતા. આ ફરિયાદ બાદ બાળકો માટે કામ કરતી એક સેવાભાવી સંસ્થાએ સફળતાપૂર્વક મધ્યસ્થી કરી હતી અને અંતે જયશિલ તેમજ તેની ચિલ્લરપાર્ટીનો વિજય થયો હતો.

   ક્રિકેટર બનવા માગતા જયશિલે કહ્યું કે, ‘અમારી સ્કૂલના એક સીનિયરે મને જ્યારે પણ પ્રોબ્લેમ પડે ત્યારે આ હેલ્પ લાઇન નંબરની મદદ લેવા માટે એકવાર કહ્યું હતું. હવે અમે જ્યારે પણ સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ રમતા હતા ત્યારે કેટલાક પડોશીઓ અમને ખીજાતા હતા કે તેમની બારીના કાચ તૂટી જાય છે. આ કારણે તેઓ અમને ક્રિકેટ રમવા દેતા નહોતા. જ્યારે સોસાયટીમાં ત્રણ કોમન પ્લોટ છે.’

સોસાયટીમાં રહેતા અને જયશિલ સાથે ક્રિકેટ રમતા કવિષ ગૌસ્વામી(14)એ કહ્યું કે, ‘સોસાયટીમાં અમને રમવા માટે જ કોમન પ્લોટ છે. આમ તો સ્કૂલ ચાલુ હોય તે દરમિયાન રમવાનો ટાઇમ જ નથી મળતો આ તો વેકેશન છે તો રમીએ છીએ. પરંતુ કેટલાક પડોશીઓ હંમેશા અમને રમતા અટકાવે છે.’

ચાઇલ્ડ હેલ્પ લાઇનના અધિકારી અર્ષદખાન પઠાણે કહ્યું કે, ‘અમે ફરિયાદ બાદ સોસાયટીની મુલાકાત લીધી હતી અને તમામ મેમ્બર સાથે બેઠક યોજી હતી. જે લોકો આ બાળકોના રમવાનો વિરોધ કરતા હતા તેમને અમે પ્રશ્ન પૂછ્યો કે ‘જ્યારે તમારા જ બાળકો આ રીતે રમવા માગતા હશે ત્યારે તમે શું કરશો?’ જ્યારે બાળકોને અમે સમજાવ્યા કે તેઓ રમે ભલે પરંતુ લોકોને ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખે તેમજ તેમની સંપત્તિને નુકસાન ન પહોંચાડે.’

   જોકે શરુઆતમાં આ પડોશીઓ માનવા તૈયાર નહોતા તેના પરિણામે અમે એવું સૂચન કર્યું કે જો સમગ્ર સોસાયટીના તમામ મેમ્બરની સાઇન સાથે એવું લખાણ લઈ આવે કે બાળકો આ કોમન પ્લોટમાં નહીં રમી શકે તો તેમની દલીલને માન્ય ગણાશે. જોકે તેઓ આ કરવામાં સફળ થયા નહોતા જેના પરિણામે અમે રાખેલી શરતો માન્ય રાખવી પડી હતી.

   જ્યારે બાળકોના રમવાનો વિરોધ કરતા પડોશીઓએ કહ્યુંકે, ‘હાલ પૂરતી તો સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. જેમાં તેઓ અમને ડિસ્ટર્બ કર્યા વગર અને અમારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યા વગર રમી શકશે.’ આ ફક્ત યશકમલ સોસાયટીનો મુદ્દો નથી

 આ પૈકી અનેક સોસાયટીમાં પ્લે ગ્રાઉન્ડ અને બાળકોની રમતને લઈને એક સમાન જ સમસ્યા છે. કેટલીક જગ્યાએ રમતા બાળકોને ખીજાવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ આ કારણે તેમના માતા-પિતા સાથે ઝગડો પણ થાય છે. જ્યારે જે સોસાયટીમાં રમવા માટે છૂટ આપવામાં આવે છે ત્યાં પણ નિશ્ચિત રમતો જ રમવા દેવામાં આવે છે.

(3:25 pm IST)