Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

અમદાવાદમાં જુનાગઢના યુવકને રીક્ષાએ ટક્કર મારતા રોડ ઉપર ફંગોળાયોઃ ૧૦૮ હડફેટે મોત

અમદાવાદ તા. ર૮ :.. જુનાગઢના તળાવ દરવાજા પાસે નિલધારા એપાર્ટમેન્ટમાં રહેતો ચિરાગ જયેશભાઇ રાઠોડ (ઉ.ર૪) અમદાવાદમાં રહી સીએના ફાઇનલ યરમાં અભ્યાસ કરતો હતો. શનિવારે સાંજના સમયે ચિરાગ પોતાની હોન્ડા ટવીસ્ટર બાઇક લઇને એનઆઇડી થી પાલડી ચાર રસ્તા તરફ જઇ રહ્યો હતો. આ સમયે હોટલ રિવરફ્રન્ટ પાસે એક ઓટો રીક્ષા રોન્ગ સાઇડમાં આવી રહી હતી.

રોંગ સાઇડમાં આવેલી ઓટો રીક્ષાની ટકકર વાગવાથી ચિરાગ બાઇક ઉપરથી ઉછળીને રોડ ઉપર પડયો હતો. આ સમયે જ ૧૦૮ ની  એમ્બ્યુલન્સ પસાર થઇ રહી હતી. પટકાયેલા ચિરાગ ઉપર એમ્બ્યુલન્સ ફરી વળી હતી. ચિરાગનું શરીર એમ્બ્યુલન્સમાં નીચેના ભાગે ફસાઇ ગયું હતું. લોકોએ બહાર કાઢીને ચિરાગને વીએસ માં ખસેડયો હતો. ફરજ પરના ડોકટરે ચિરાગને મૃત જાહેર કર્યો હતો.

ચિરાગ અમદાવાદમાં એકલો રહીને સીએ તરીકે અભ્યાસ કરતો હતો અને ફાઇનલ યરમાં હતો. તપાસનીશ, પાલડીના પીએસઆઇ એ. એસ. ગરચરે જણાવ્યું કે, આ રોડ ઉપર આવેલી હોટલ રિવરફ્રન્ટના સીસી ટીવીમાં અકસ્માત કેદ થઇ ગયોછે. સીસી ટીવીના આધારે વિચિત્ર અકસ્માત સર્જનાર રીક્ષાના ચાલકની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. (પ-૧પ)

(11:42 am IST)