Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

એમએસ યુનિ.માં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીનું મોત

ગોત્રીની હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યો હતો : વડોદરાની સ્થાનિક પોલીસે મૃતદેહને અંતિમ ક્રિયા માટે વિદેશ લઇ જવા માટેની પરવાનગી આપવામાં આવી

વડોદરા, તા. ૨૮ : સમગ્ર ગુજરાતને કોરોનાએ ભરડામાં લીધું છે. તેવામા ચાર મહાનગરોમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તાન્ઝાનિયાનાં નિગોવી એમ્યુનલ હેરિસન નામના વિદ્યાર્થીનુ ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેનાં મૃતદેહને તાન્ઝાનિયા મોકલી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસે મૃતદેહને અંતિમ ક્રિયા માટે વિદેશ લઇ જવા માટેની પરવાનગી આપવામાં આવી છે.

રાજ્ય સરકારે ૨૮ એપ્રિલથી ૫ મે સુધી જરૂરી વસ્તુઓ સિવાય દુકાનો, મોલ, થિયેટર અને જીમ સહિતની સેવાઓ બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. ત્યારે વડોદરા શહેરનાં સુસેન ચાર રસ્તા નજીક આવેલા અર્સોર્ટ હબ નામની એક સંસ્થામાં આશરે ૫૦ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જેની જાણ કોર્પોરેશનની ટીમને થતા વોર્ડ ૪ અને ૧૨ની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને પોલીસ સ્ટાફ દ્વારા તત્કાલ ઘટના સ્થળ પરપહોંચીને તમામ વિદ્યાર્થીઓને ત્યાંથી ઘરે મોકલી દીધા હતા. સંચાલકો પાસેથી ૧૦ હજાર રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણ વડોદાર શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક ૪૧ હજારને પાર પહોંચી ચુક્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૩૫૦ને પાર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૩૪૨૮૨ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. વડોદરા હાલ ૬૯૬૧ એક્ટિવ કેસપૈકી ૪૭૪ દર્દી ઓક્સિજન પર અને ૩૧૩ દર્દી વેન્ટિલેટર પર છે. ૬૧૭૪ દર્દીઓની સ્થિતી સ્થિર છે.

(8:08 pm IST)