Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ગમે ત્યાંના આધારથી સરકારી હોસ્પિટલમાં દાખલ કરી શકાશે

અંતે અમપાએ તઘલઘી નિર્ણય પાછો ખેંચ્યો : આ નિર્ણય ૨૯ એપ્રિલની સવારે ૮ વાગ્યાથી લાગુ થશે, ખાનગી હોસ્પિ.માં ૭૫% કોરોનાની સારવાર કરવા સૂચના

અમદાવાદ, તા. ૨૮ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓને મોટી રાહત આપતો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ હવે કોઈપણ વાહનમાં આવતા કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આ નિર્ણય આવતીકાલે સવારે ૮ વાગ્યાથી લાગુ થશે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં ૭૫ ટકા કોરોનાની સારવાર કરવા માટે સૂચના આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ રિવરફ્રન્ટ ખાતે રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને એક ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. જેમાં શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધી રહેલા કેસોને અટકાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં કોરોનાના દર્દીને માત્ર ૧૦૮ મારફતે જ હોસ્પિટલમાં દાખલ કરાશે તેવા નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ કોઈપણ રીતે હોસ્પિટલ સુધી પહોંચે તો તેમને દાખલ કરવામાં આવશે. જેમાં ખાનગી હોસ્પિટલો, એએમસી હોસ્પિટલો અને એએમસીની હદમાં આવતી તમામ સરકારી હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિયમ આવતીકાલે સવારે ૮ વાગ્યાથી લાગુ થશે.

મુજબ ૨૯ એપ્રિલના સવારે ૮ વાગ્યાથી કોઈપણ દર્દી ૧૦૮, ખાનગી એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો કે પછી ચાલતા પણ કોવિડ હોસ્પિટલ પહોંચશે તેને બેડની ઉપલબ્ધતાના આધારે જે તે દર્દીને દાખલ કરવાની જરૂરિયાત મુજબ હોસ્પિટલમાં દાખલ કરવાના રહેશે. આ ઉપરાંત શહેરની કોવિડ સારવાર પૂરી પાડતી તમામ ખાનગી હોસ્પિટલોએ તેમની ચાલુ ક્ષમતાના ૭૫ ટકા કોવિડ સારવાર માટે પૂરી પાડવાની રહેશે. એટલે કે, કોવિડ સિવાયના દર્દીઓ માટે માત્ર ૨૫ ટકા બેડ ઉપલબ્ધ રહેશે. આનાથી શહેરમાં કોરોનાની સારવાર માટે વધારાના ૧૦૦૦ બેડ ઉપલબ્ધ થશે. કોરોના દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા દર્દીઓને ઝડપભેર દાખલ કરી શકાય તે માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતના તઘલખી નિયમને તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના સંક્રમણને લઈને ગુજરાઈ હાઈકોર્ટે સરકાર અને કોર્પોરેશનના નિયમોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. અને દર્દીને સારવાર આપવાને સૌથી પહેલા પ્રાધાન્યતા આપવા માટે સૂચન કર્યું હતું. જેથી કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી બધા નિયમો પાછા ખેંચવામાં આવ્યા છે.

(8:06 pm IST)