Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

અમદાવાદનાં ઈશનપુર ચાર રસ્તા પર રેમડેસિવિરના ઈન્જેક્શનની કાળા બજારી કરનાર ઝડપાયો

સોશિયલ મિડિયા પર ઈન્જેક્શન મળશે તેવુ લખી 26 હજારમાં વેચતો હતો : સાઈબર ક્રાઈમની ટીમે ઈસનપુરની મોની હોટલથી આરોપીને ઝડપી લીધો

અમદાવાદ: કોરોના સંક્રમિત દર્દીઓ માટે અત્યંત જરૂરી એવા રેમડેસીવીર ઈન્જેક્શનની મળી રહેશે તેવો સોશિયલ મિડિયા પર મેસેજ કરીને ઉંચા ભાવે ઈન્જેક્શન વેચી કાળા બજારી કરનાર શખ્સને સાઈબર ક્રાઈમે પકડી પડ્યો હતો. ઈસનપુર ચાર રસ્તા પાસે આવેલ મોની હોટલ પાસેથી ઝડપી લીધો હતો. આરોપી પોતાના આર્થીક ફાયદા હેતુ તેના મિત્ર પાસેથી રેમડેસિવિર ઈન્જેક્શન મેળવતો હોવાનુ પુછપરછમાં સામે આવ્યુ હતું. જોકે તેની પાસેથી એક પણ ઇંજેક્શન મળી આવ્યું ન હતું.

કોરોના મહામારી વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે ઉપયોગમાં આવતા રેમડેસીવીર ઈન્જેક્શનની ભારે અછત છે અને સરકાર પણ તમામ દર્દીઓને ઇન્જેકશન પહોંચાડવામાં નિષ્ફળ રહી છે. બીજી બાજુ અમુક તત્વો ઇન્જેક્શન અને ઓક્સિજનની કાળા બજાર કરી રહ્યા છે. જેમાં થોડા દિવસ પહેલા સોશિયલ મિડિયામાં રેમડેસીવીર ઈન્જેક્શનની જરૂર હોય તો બજાર કરતા ઉંચા ભાવે મલશે તેવો એક મેસેજ ફરતો થયો હોવાથી સાઈબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી હતી.

ત્યારે એક યુવક ફેસબુક પર ફેક આઈડી બનાવીને ફેસબુક માધ્યમ દ્વારા ઈન્જેક્શનનું વેચાણ બાબતે વાતચીત કરતો હોવાનું જાણવા મળતા સાઈબર ક્રાઈમની ટીમે એક બનાવટી ગ્રાહક ઉભો કરી ફેસબુક પર મેસેજ કરી નંબર મેળવીને ફોન પર રેમડેસીવીર ઈન્જેક્શનની જરૂર છે તેવી વાત કરતા સામે પક્ષે રૂ.26 હજારમાં ઈન્જેક્શન મળી આવશે તેવી વાત કરી હતી.

ત્યારબાદ ઈન્જેક્શન મેળવવા માટે ઈસનપુર ચાર રસ્તા પાસે આવેલ મોનિ હોટલ ખાતે બોલાવેલ હોવાથી સાઈબર ક્રાઈમની ટીમે તે જગ્યાએ વોચ ગોઢવી હતી અને રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી કરનાર સન્ની વાઘેલાની ધરપકડ કરી હતી.

બાદમાં પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે, આર્થીક ફાયદા માટે તથા વધુ પૈસાની લાલચના કારણે રેમડેસીવીર ઈન્જેક્શન તેના મિત્ર સંજય પંચાલ પાસેથી મેળવીને બજાર કરતા ઉંચા ભાવે વેચતો હતો. સન્ની વાઘેલાએ કેટલા લોકોને ઇન્જેક્શન આપ્યા અને કેટલામાં આપ્યા તેની પોલીસે તપાસ હાથ ધરી છે જોકે હજુ સુધી સાઇબર ક્રાઇમને કોઈ કડી મળી નથી.

ઇન્જેક્શન અને ઓક્સિજન સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ

સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ ઇંજેક્શન અને ઓક્સિજનને લગતી છે તેમ છતાં તેના પર કોઈ જ કાર્યવાહી થતી ન હોવાની ચર્ચા છે. લોકો ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર તેને લગતી અનેક પોસ્ટ કરી રહ્યા છે. સામાન્ય લોકો પણ તેને નિહાળી રહ્યા છે અને ખુલ્લે આમ બ્લેકમાં વેચાઈ રહ્યાં હોવાની ચર્ચા છે.

સરકાર તરફથી ન મળતા, કાળા બજારીયા સક્રિય

હોસ્પિટલના લેટર અને ડોક્ટરોના ઈમેલ સહિત તેમની માંગણી છતાં સરકાર અને હેલ્થ વિભાગ કે પછી મ્યુનિસિપલ તંત્ર દ્વારા જરૂરિયાત મંદ લોકોને ઇન્જેક્શન ન મળતા લોકો કાળા બજાર કરનાર શખ્સો પાછળ ફરે છે અને એક ઇન્જેક્શન ના 25 ઘણા કે તેના થી વધારે ચૂકવે છે. પોતાનું સ્વજન ગુમાવવું ના પડે તેથી લોકો ના છૂટકે આવા બોગસ તત્વોનો સહારો લે છે . કાળા બજારી બંધ કરવી હોય તો સરકારે ઓક્સિજન અને ઇન્જેક્શન દર્દી ઓને સરળતાથી મળી રહે તેવી સુવિધા ઉભી કરવી પડશે.

(5:25 pm IST)