Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કોરોના કાળમાં નિયમોનું પાલન ન કરવા માટે દુકાનદારો પર પ્રતિબંધ અને બીજી બાજુ ઇ-કોમર્સવાળાને છૂટથી રાજ્યના વેપારીઓ દુઃખી : ઇ-કોમર્સ માટે પણ પ્રતિબંધ મુકવા ગુજરાત ટ્રેર્ડ્સ ફેડરેશનની માંગ

ગાંધીનગરઃ કોરોના કાળમાં નિયમોનું પાલન ન કરવા માટે દુકાનદારો પર પ્રતિબંધ અને બીજી બાજુ ઇ-કોમર્સવાળાને છૂટથી રાજ્યના વેપારીઓ દુઃખી છે. આ અંગે તેમણે સરકારને પત્ર લખી સામાન્ય દુકાનદારની જેમ ઇ-કોમર્સ માટે પણ પ્રતિબંધ લાદવાની માગ કરી છે.

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેને નિયંત્રણમાં લેવા માટેના તમામ જરૂરી પગલાંઓ ભર્યા છતાં કોરોનાના કેસોમાં વધારો જ થતો જાય છે. છેવટે ગુજરાત સરકારે ગઇકાલે 27મીના રોજ આવશ્યક ચીજવસ્તુઓ સહિતને અમૂક જરૂરી બાબતોને બાદ કરતાં ઘણી વસ્તુઓમાં પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉપરાંત રાજયના 20ના સ્થાને 29 શહેરોમાં રાત્રિ કરફયુ લાદી દેવામાં આવ્યો છે.

આ હુક્મના પગલે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવીને ઇ -કોમર્સ દ્રારા માત્ર આવશ્યક ચીજવસ્તુઓ પુરતી જ મર્યાદિત રહે તેવી સ્પષ્ટતા કરવા ઉપરાંત સામાન્ય ચીજોના દુકાનદારોની જેમ ઇ-કોમર્સ માટે પણ નિષેધ રાખવા માટે રજૂઆત કરી છે.

જયેન્દ્ર તન્નાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં તા. 27.04.21 ના રોજના ગૃહ વિભાગના પરિપત્ર દ્વારા રાજ્યના મુખ્ય સંક્રમણ ધરાવતા 29 શહેરના વિસ્તારોમાં નિયંત્રણની જાહેરાતને આવકારતાં જણાવ્યું છે કે, આ હુકમમાં ઇ. કોમર્સ દ્વારા ફક્ત આવશ્યક જરૂરિયાતની ચીજ વસ્તુઓના વેચાણ પૂરતી જ મર્યાદિત રહે તેવી સ્પષ્ટતા જરૂરી છે .જ્યારે સામાન્ય ચીજોની દુકાનોને વેપાર માટેની છૂટ ન હોવાથી ઇ.કૉમર્સ માટે પણ નિષેધ હોવો જોઈએ. જેથી અન્યાય નિવારી શકાય.

તેમણે ગુહ વિભાગના હુકમની કલમ 4.(1).ની પેટા કલમ 17. મુજબ ટ્રાન્સપોર્ટ ઉપરાતમાં ઇ.કોમર્સ નો ઉલ્લેખ રદ કરવાની માંગણી કરતાં કહ્યું છે કે, મોટા ભાગના હૉલસેલ વેપારીઓ પાસે વેપાર અને ઓફીસ બન્ને એક જ જગ્યાએ હોય છે.

આ વાતને ધ્યાનમાં લઈને તેમને આ હુકમ મુજબ ઓફીસને લગતા કાર્યો કરવામાં કોઈજ અવરોધ કે કનડગત ન કરવામાં આવવી જોઈએ. તેમ જ રેસ્ટોરન્ટ કે અન્ય ખાણીપીણીના ધંધાર્થીઓને રાત્રિ કરફ્યુ દરમ્યાન પણ 11 વાગ્યા સુધી હોમ ડીલેવરી માટેની મંજૂરી આપવી જોઈએ અને તેમને તે કેટેગરી મુજબના કલર પાસ પોલીસ દ્વારા આપવા જોઈએ.

વધુમાં જયેન્દ્રભાઇ તન્નાએ જણાવ્યું છે કે, ઇમરજન્સી વ્યવસ્થા માટે તબીબી/પોલીસ કન્ટ્રોલ હેલ્પલાઇન સેવાની વ્યવસ્થા ચાલુ કરી લોકો જે તે નંબરનો સંપર્ક કરી મદદ મેળવી શકે તેવુ આયોજન થવું જોઈએ. આ વ્યાજબી માંગણીઓ અંગે ગૃહ ખાતાને અને દરેક જિલ્લાના કલેક્ટરોને યોગ્ય સૂચનાઓ તાત્કાલિક મોકલવા માંગ કરી છે.

(5:00 pm IST)