Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ખેડા જીલ્લાના રઢુ ગામના શ્રી કામનાથ મહાદેવ મંદિરમાં ૬૦૦થી વધુ વર્ષથી સચવાયુ છે ઘીઃ ૧૩ થી ૧૪ હજાર કિલો ઘી બગડ્યુ નથી કે ગંધ પણ આવતી નથી

અમદાવાદ: ગુજરાતમાં અનેક એવા મંદિરો છે જેની વાતો અનોખી છે. અહીંની પરંપરા સાંભળીને માણસોનું માથુ ચકરાઈ જાય. પણ વાત આસ્થાની હોય છે. તેથી અહી લાખો કરોડો લોકો શ્રદ્ધાથી માથુ ટેકવે છે. ગુજરાતમાં એક એવુ મંદિર આવેલું છે. જેમાં 600 થી વધુ વર્ષથી 650 કાળા માટીમાં ઘી સચવાયેલું છે. લગભગ આ 13 થી 14 હજાર કિલો જેટલુ ઘી છે. જે ન તો બગડે છે, ન તો તેમાંતી ગંધ આવે છે, ન તો તેમાં કોઈ પ્રકારની જીવાત પડે છે. આ એક શ્રદ્ધાનો વિષય છે. ત્યારે આજે આવા મંદિર વિશે જાણીએ.

અમદાવાદથી 50 કિલોમીટર દૂર ખેડા જિલ્લામાં રઢુ નામનુ એક ગામ આવેલું છે. આ ગામ વાત્રક નદીના કિનારે આવેલું છે. આ ગામ એક સામાન્ય ગામ છે. પરંતુ આ ગામડામાં આવેલું કામનાથ મહાદેવનું મંદિર સામાન્ય નથી. લોકો તેને ચમત્કારિક મંદિર કહે છે. આ મંદિરમાં 620 વર્ષથી ઘી ભરેલા 650 થી વધારે માટીના મોટા કાળા માટલા સચવાયેલા છે.

મંદિરના ઓરડામાં વર્ષોથી આ ઘી સચવાયેલું છે. સામાન્ય રીતે ઘી થોડો વધુ સમય પડી રહે તો તે તેમાંથી ગંધ આવે કે ફુગ લાગી જાય છે. અહી મંદિરના ઓરડામાં આટલા વર્ષોમાં ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીમાં તપતા ધાબા નીચે માટલામા સંઘરાયેલું ઘી કોઈ પણ જાતની ગંધ વિના તાજુ રહ્યું છે. અને આ ઘીનો જથ્થો નાનોસૂનો પણ નથી. અહી 13 થી 14 હજાર કિલો જેટલુ ઘી સચવાયેલું છે.

કહેવાય છે કે, આ શિવ મંદિરમાં ઘીના જથ્થામાં ક્યારેય ઘટાડો થતો નથી, ઉપરથી તેમાં વધારો થતો જાય છે. તેની પરંપરા છે કે, મંદિરમાંના ઘીને ક્યારેય મંદિરની બહાર લઈ જવાતુ નથી. તેનો બીજો કોઈ ઉપયોગ પણ કરાતો નથી. માન્યતા મુજબ આમ કરનારને મોટું નુકશાન ભોગવવું પડે છે. મંદિરમાં પ્રજવલ્લિત રહેતી જ્યોત તથા મંદિરના પ્રાંગણમાં થતા યજ્ઞમાં તેનો ઉપયોગ કરાય છે. છતાં ઘીનો જથ્થો ઘટતો નથી.

મંદિર સાથે જોડાયેલી માન્યતા

આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ અનેક માન્યતા જોડાયેલી છે. રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચા જન્મે પછી તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.

ઘીની પરંપરા કેવી રીતે શરૂ થઈ

આ મંદિર 1445 માં બન્યું હોવાનું કહેવાય છે. લોકવાયકા છે કે, 600 વર્ષ પહેલા આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. મહાદેવજીના ભકત જેસંગભાઇ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ જેસંગભાઇને સ્વપ્ન આવ્યું હતું. જેમાં મહાદેવજીએ કહ્યું હતું કે, પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને મને લઇ આવ. આથી બીજી સવારે સ્વપ્નની વાત જેસંગભાઇએ ગ્રામજનોને કરતા સૌ શ્રદ્વાપૂર્વક રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામે પહોંચ્યા હતા અને ત્યાંથી દીવો પ્રગટાવીને સાથે લીધો હતો. કહેવાય છે તે સમયે વરસાદ અને ભારે પવન હતો છતાંયે દીવો અખંડ રહ્યો. સંવત ૧૪૪પમાં દીવાની સ્થાપના કરીને નાની ડેરી બનાવી હતી. ત્યારથી ગામ સહિત આસપાસના પંથકના ભાવિકજનો મહાદેવજીના દર્શને આવે છે.

(4:50 pm IST)