Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ગુજરાતી સમાજ ઓફ મિસીસીપ્પી દ્વારા ૨૦૦ ઓકિસજનના મશીન સુરત મોકલાશે

મુળ ભારતના અને હાલ વિદેશ સ્થાયી એવા ભુપેન્દ્ર પટેલ, હિરેન પટેલનું પ્રેરક કાર્ય

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા.૨૭: કોવિડએ બીજા તબબક્કામાં ભારતના દ્યણા રાજયોને હવે પોતાના ભરડામાં લઈ લીધું છે. આવા સંજોગોમાં ગુજરાત પણ તેમાંથી બાકાત નથી રહી શકયું. હોસ્પિટલમાં બેડની, ઓકિસજન અભૂતપૂર્વ અછત સર્જાઈ રહી છે. આવા સંજોગોમાં અમેરિકાના વિવિધ રાજયમાં વસતા પરંતુ મૂળ દક્ષિણ ગુજરાતના પટેલોએ ગુજરાતી સમાજ ઓફ મિસીસીપ્પીના નેજા હેઠળ અંદાજિત ૧ લાખ ડોલરની સહાયની પહેલ કરી છે.

આ અંગેની વિસ્તૃત માહિતી આપતા ગુજરાતી સમાજ ઓફ મિસીસીપ્પીના આગેવાન અને મૂળ બારડોલીના શ્રી બાબુભાઇ પટેલએ જણાવ્યું કે, અત્યારના તબક્કે અમે ૫ લિટરના ૧૦૦ અને ૧૦ લિટરના ૧૦૦ એમ કુલ ૨૦૦ ઓકિસજન મશીનના ઓર્ડર આપી દીધા છે અને આગામી ૮-૧૦ દિવસમાં તે વાયા મુંબઈ સુરત પહોંચી જશે. જેમ જેમ નવું ફંડ આવતું જશે તેમ સમાજ દ્વારા વધુ ઓકિસજન મશીન અથવા વેન્ટિલેટર, જેની જરૂરિયાત હશે તેના પ્રયત્ન કરવામાં આવશે.

ઓકિસજન મશીનની ખરીદી અને વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા ટેકસાસ રાજયના ડલાસ સ્થિત શ્રી પંકજભાઈ પટેલએ જણાવ્યું કે  ઓકિસજન મશીનના વિતરણ માટે અમને સુરત શહેર ના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનીધી પાનીનો સહયોગ મળ્યો છે. તેમની મદદ થી સુરત, નવસારી અને બારડોલી ની વિવિધ હોસ્પિટલ અને કોવીડ સેંટર બારડોલીની માલીબા કોલજમાં મોકલાવવામાં આવનાર છે.

મહામારીની આ પરિસ્થિતિમાં કેટલીયે હોસ્પિટલોમાં ઓકિસજન સપ્લાય અટકી જવાના કારણે બીમાર દર્દીઓ જીવ ખોઈ રહ્યા છે, ત્યારે માદરે વતન ને યાદ કરીને મદદ કરવાના શુભ આશયથી ૨૫૦૦૦-૨૫૦૦૦ ડોલરની સહાય કરનાર મિસીસીપ્પીમાં સ્થાયી શ્રી ભુપેન્દ્ર પટેલ અને હિરેન પટેલએ જણાવ્યું કે જરુરીયાતને મદદ કરવાનું ગુજરાતીઓના લોહીમાં છે, અને અમને ગર્વ છે કે અમે આવી વિકટ પરિસ્થિતિમાં અમને સમાજ માટે કંઈક કરવાનો મોકો મળ્યો હોવાનું અંતમાં જણાવેલ.

(3:29 pm IST)