Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

અમદાવાદમાં કોરોનાના ડરથી વૃદ્ધાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી

પોતાને કોરોના થશે તો શું થશે તેવું સતત રટણ કરતાં રહેતાં હતાં

અમદાવાદઃ કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકો નિરાશાની ગર્તામાં ધકેલાયા છે ત્યારે લોકોના ગભરાઈને આત્મહત્યા પણ કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના ડરથી એક મહિલાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. વસ્ત્રાલના મારુતિ હાઇટ્સમાં રહેતા સુરેશભાઈ પ્રજાપતિ સિલાઈકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

સુરેશભાઈની સાથે જયલક્ષ્‍મીબેન (ઉં. 75) પણ રહેતાં હતાં. સુરેશભાઈ તેમની પત્ની વિજયાબેન અને દીકરી સાથે ગયા રવિવારે બહાર ગયા હતા. જ્યાંથી પાછા ફર્યા ત્યારે ઘરમાં જયલક્ષ્‍મીબેન ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ અંગે જાણ કરતા રામોલ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ મામલે પોલીસે લીધેલા નિવેદનમાં એવું બહાર આવ્યું હતું કે, મરનાર જયલક્ષ્‍મીબેન કોરોનાની બીજી લહેર ચાલી ત્યારથી ખૂબ જ ડરી ગયાં હતાં. તેઓ બહાર નીકળવાનું પણ ટાળતાં હતાં. એટલું જ નહીં તેઓ પોતાને કોરોના થશે તો શું થશે તેવું સતત રટણ કરતાં રહેતાં હતાં. આ મનોદશામાં રવિવારે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. આ પહેલાં શારદાબેન હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીએ પડતું મૂકી આત્મહત્યા કરી હતી.

(1:22 pm IST)