Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

અમદાવાદમાં રિક્ષાચાલકોની અનોખી પહેલ : કોરોનાના દર્દીઓને ફ્રીમાં આપશે સેવા

રિક્ષા કોરોના પીડિત દર્દીઓનો રીપોર્ટ કરાવવા માટે તથા દવા લાવવા માટે તેમજ એમના પરિવારજનોને અન્ય સામગ્રી લેવા માટે સેવા પૂરી પાડશે.

અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં રિક્ષા કોરોના પીડિત દર્દીઓનો રીપોર્ટ કરાવવા માટે તથા દવા લાવવા માટે તેમજ એમના પરિવારજનોને અન્ય સામગ્રી લેવા માટે સેવા પૂરી પાડશે. આ માટે તેઓ કોઈ પ્રકારો ચાર્જ લેશે નહીં. એક તરફ ઘરમાં કોઈનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તો બીજા સભ્યો એનાથી દૂર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અમદાવાદના રિક્ષાવાળા સેવા કરશે. કોવિડ પોઝિટિવ દર્દીને દવા આપવાની હોય કે હોસ્પિટલ જવાનું થાય એ તમને લઈ જશે. આ ઉપરાંત ઘરની જરૂરી સામગ્રી ખૂટે તો એ પણ લઈને આપી જશે. 108ની સ્થિતિ મહાનગરમાં શું છે અને કેવી છે એનાથી સૌ કોઈ વાકેફ છે ત્યારે આ રિક્ષા ચાલકોની સેવા દર્દીઓ માટે આશીર્વાદ બની રહેશે. આ રિક્ષા ચાલકો પીપીઈ કીટમાં સજ્જ હશે. હાલમાં દસ જેટલી રિક્ષાના ચાલકોને આ કીટ આપવામાં આવી છે. પૂરતી તકેદારી સાથે તેઓ દર્દીઓની સેવા કરશે. આ મુદ્દે રિક્ષાચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ કહ્યું હતું કે, અત્યારે સંકટનો સમય છે. અમારી અપીલ સાંભળીને રિક્ષા ચાલકો આગળ આવ્યા એ સારી વાત છે. આગામી દિવસોમાં વધુ રિક્ષા ચાલકો જોડાય એવો અમારો પ્રયાસ છે. અત્યારે 10 રિક્ષા ચાલકો આ સેવામાં છે. જે જુદા જુદા વિસ્તારમાંથી છે.

દર્દીની સગવડતા માટે એક મોબાઈલ નંબર પણ જાહેર કરાયો છે. 7600660760 આ નંબર પર ફોન કરવાથી કોરોના પોઝિટિવ દર્દી સેવાનો લાભ લઈ શકશે. અત્યારે પ્રાથમિક તબક્કામાં નવરંગપુરા, નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, રાણીપ જેવા વિસ્તારમાં આ સેવા મળી રહે છે. બીજા તબક્કામાં વિસ્તાર નવા ઉમેરીશું. આ કોઈ સેવા માટે પૈસા આપવાના થતા નથી. એક પનાહ નામની સંસ્થા રિક્ષા ભાડું ચુકવશે. માત્ર મહાનગર જ નહીં નાના શહેરમાં પણ અનેક સેવા કામ માટે જૂથ પ્રવૃતિઓ થઈ રહી છે. કોઈ પીવાનું પાણી આપી રહ્યું છે તો કોઈ બે ટંકનું જમવાનું ફ્રીમાં જમાડી રહ્યું છે. તો કોઈ ઘરે ઘરે ટિફિન આપી રહ્યું છે.

(11:47 pm IST)