Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

વલસાડમાં કોરોના દર્દીનો ટ્રેન નીચે પડતું મુકી આપઘાત

હોસ્પિટલમાં જગ્યા ન મળતા પગલું ભર્યું : ૭ વર્ષની પુત્રીના પિતાએ આપઘાત કરતા પરિવાર વેરવિખેર, મૃતદેહ ક્ષત-વિક્ષત થતા ૧૦૮ની ટીમ બોડી ઉઠાવતા ડરી

વલસાડ, તા. ૨૭ : રાજ્ય સહિત દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. અનેક લોકોએ મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ મહામારીના કારણે અનેક લોકો માનસીક રીતે પીડાઈ રહ્યા છે. ત્યારે આવી જ રીતે માનસીક રીતે હેરાન પરેશાન એક વ્યક્તિએ વલસાડમાં આપઘાત કીર લીધો હોવાની ઘટના વલસાડમાં સામે આવી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આમળી ગામના એક કોરોના પોઝિટિવ દર્દીએ હતાશામાં જ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગતે વાત કરીએ તો, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આમળી ગામ ભેસું ફળિયામાં રહેતા ગણેશભાઈ ઠાકોરભાઈ પટેલ નામના વ્યક્તિની ૮ દિવસ અગાઉ તબિયત લથડતાં તેમને ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી પરિવારજનો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા માટે દર્દી ગણેશ પટેલને લઈ અને વાપી વલસાડ, પારડી અને છેક નવસારીના ચીખલી સુધીની હોસ્પિટલોમાં ધક્કા ખાધા હતા, પરંતુ કોઇ હોસ્પિટલમાં જગ્યા નહીં મળતા આખરે,

પરિવારજનોએ દર્દીને ઘરે પરત લઈ આવ્યા હતા, અને તેમના સાસરી પક્ષ દ્વારા પારડી તાલુકાના ભેંસલા પાડા ગામમાં લાવ્યા હતા અને તેમને વાડીમાં જ આઇસોલેટ કર્યા હતા. સ્વજનોઅ ઘરે વાડીમાંજ ઓક્સિજન સહિતની પણ સુવિધાઓ કરી હતી, પરંતુ પોતે કોરોના પોઝિટિવ આવેલા હોવા છતાં અને કોઈ પણ હોસ્પિટલમાં દાખલ નહી કરતા તે હતાશ થઈ ગયા હતા.

સ્વજનોના મત પ્રમાણે તે હતાશ થઈ અને માનસિક રીતે પીડાઈ રહ્યા હતા. જોકે એવા સમયે વાડીમાં આઇસોલેશન દરમિયાન સ્વજનોની નજર ચૂકવી અને મોપેડ લઇ ઘરેથી ફરાર થઈ ગયા હતા, જેની જાણ થતાં સ્વજનોએ શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય નહિ મળતા પારડી પોલીસ સ્ટેશનમાં પોતાનું કોરોના પોઝિટિવ સ્વજન ઘરેથી ગાયબ થઈ ગયું હોવાની જાણ કરી હતી, પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને શોધખોળ હાથ ધરી હતી. ત્યારે જાણ થઈ કે, ગણેશ પટેલ નામના આ કોરોના પોઝિટિવ દર્દીએ પારડી તાલુકાના પલસાણા નજીક આવેલા ગંગાજી રેલવે બ્રિજ પર આવી અને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે કોરોના પોઝિટિવ દર્દીએ ટ્રેન નીચે આવી અને આપઘાત કરતા મૃતદેહ પણ ક્ષત-વિક્ષત થઈ ગયો હતો, આથી મૃતદેહને લઈ જવા બેથી વધુ એમ્બ્યુલન્સ પહોંચી હતી. પરંતુ કોરોના પોઝિટિવ દર્દી અને તેનો પણ ક્ષત o વિક્ષત હાલતમાં મૃતદેહ હોવાથી એમ્બ્યુલન્સની ટીમ પણ ગભરાઈ હતી, સાથે પારડી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ હતી. કારણ કે કોરોના પોઝિટિવ દર્દીએ આપઘાત કરી લીધા બાદ નિયમ પ્રમાણે મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવું જરૂરી હોય છે.

વધુમાં મૃતદેહ પણ ક્ષત-વિક્ષત હોવાથી આ મામલે આગળ શું કાર્યવાહી કરવી? તેને લઈને પણ પોલીસ મૂંઝવણમાં મૂકાઇ ગઈ હતી. જોકે પારડી પોલીસ દ્વારા પોલીસના અન્ય સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આમ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આંમળી ગામના કોરોના પોઝિટિવ દર્દીને કોઇ પણ હોસ્પિટલમાં જગ્યા નહિ મળતા આખરે દર્દીએ હતાશામાં આવી અને ટ્રેન નીચે પડતું મૂકી અને આપઘાત કરી લીધો હતો.

મૃતક ગણેશ પટેલ પરણિત હતા અને સાત વર્ષની દીકરી પણ છે. જોકે કોરોના રિપોર્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોઈ હોસ્પિટલમાં જગ્યા નહીં મળતા તેઓએ હતાશામાં હિંમત હારી અને ભરેલા અંતિમ પગલાને કારણે આખો પરિવાર વિખેરાઈ ગયો છે. મહત્વપૂર્ણ છે કે, અત્યારે કોરોના પોઝિટિવ આવેલા અનેક દર્દીઓ ઘર પર જ રહી અને સારવાર મેળવી રહ્યા છે. ત્યારે આવા કપરા સમયે દર્દીની સાથે તેના પરિવારજનો પણ દર્દીને માનસિક હિંમત આપતા રહે તે જરૂરી છે.

(9:53 pm IST)
  • બેંગ્લોરમાં કોરોનાના ત્રણ હજાર દર્દીઓ લાપત્તા: પોલીસને કામે લગાડી: કર્ણાટકમાં મોટો ખળભળાટ: મહેસુલ મંત્રીની જાહેરાત access_time 8:36 pm IST

  • ગુજરાત સરકાર વિનામૂલ્યે સ્મશાનમાં અંતિમવિધિ માટે લાકડાં આપશે : કોરોના સંક્રમણથી થતા મૃત્યુ અંગે લેવાયો નિર્ણય : વન વિભાગ વિનામૂલ્યે જલાઉ લાકડા સ્મશાનોમાં આપશે access_time 10:40 pm IST

  • શેર બજાર : શેરબજારમાં તેજીઃ સેન્સેકસ ૮૦૦થી વધુ પોઇન્ટ અપઃ નીફટી ૧૪૮૦૦ ઉપર મુંબઇ : શેરબજારમાં આજે ટનાટન તેજી ર.૧પ કલાકે સેન્સેકસ ૮રપ પોઇન્ટ વધીને ૪૯૭૬૯ : નીફટી રર૧ પોઇન્ટ વધીને ૧૪૮૭૪ : ફાય. અને ઓટો શેર્સ ઉછળ્યાઃ ઇન્ડસ બેક ૯ર૦, કોટક બેક ૧૮૧૬, એસબીઆઇ ૩૬૩, બીએફ ઇન્વેસ્ટ ૩ર૧, સ્પંદના ૬૧પ, ટીવીએસ ૬૪ર, અરવિંદ ૬૮, ટીસીએસ ૩૧ર૧, એચસીએલ ટેક ૯રપ, હિન્દુ - ઝીંક ૩૦૮, અરવિંદ ૬૮ ઉપર છે. access_time 4:11 pm IST