Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

વાસણામાં યુવકે લાકડીના ફટકા મારી કૂતરાનું જડબું તોડી નાખ્યું:ફિટકાર

અમદાવાદ:ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે અબોલા જીવને પાણી મળી રહે તે માટે કેટલાક સેવાભાવી લોકો માટીનાં કુંડાનું દાન કરીને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અબોલ જીવની સેવા કરીને સમાજમાં સેવાની સુગંધ ફેલાવનાર એક વર્ગ રહે છે ત્યારે બીજો વર્ગ એવો પણ છે કે જે મૂંગા પશુ પર નિર્દયતાથી હુમલા કરીને માનવતાને કલંકીત કરવાનું કામ કરે છે. શહેરના વાસણા વિસ્તારમાં યુવકે રખડતા કૂતરાને લાકડીના ફટકા મારીને જડબું તોડી નાખતાં પોતાના સંસ્કાર લજ્જિત કર્યા છે ત્યારે બીજી બાજુમાં લોકગાયિકાએ લોહીથી લથપથ થયેલા આ કૂતરાને સમયસર સારવાર કરાવતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

થોડા દિવસ પહેલા વાસણા પોલીસ સ્ટેશનમાં કૂતરા પર હુમલો કરનાર મિથુન ઉર્ફે મિતુ રાવળ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. ન્યૂ વાસણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પાર્કમાં રહેતા સોનલબહેન દિનેશકુમાર વ્યાસ તેમના ભત્રીજા સન્ની સાથે રહે છે. સોનલબહેન લોકગાયિકાની સાથે પશુ પ્રેમી પણ છે અને તે પોતાના ઘરે પણ કૂતરો રાખે છે. સોનલબહેનનો ભાઇ સુમન પણ પશુ પ્રેમી હોવાથી તે રોજ વાસણા ખોડિયાનગર વિસ્તારમાં કૂતરાંને જમવાનું આપે છે. 23મી માર્ચના રોજ સવારના સમયે સોનલબહેન પર તેમની ભત્રીજી રિયાનો ફોન આવ્યો હતો અને કહેવા લાગી હતી કે ખોડિયારનગર ઐયપા મંદિર પાછળ રહેતા મિથુન ઉર્ફે મિત જીતુભાઇ રાવળ નામના યુવકે શેરીના કૂતરાને મોઢાના ભાગે તથા શરીરના ભાગે લાકડીથી માર માર્યો છે.

 

કૂતરા પર હુમલાની જાણ થતાંની સાથે જ સોનલબહેન તરત જ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. જ્યા તેમણે કૂતરાને જોયો તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. દારૂના નશામાં ધુત મિથુને કૂતરાના મોઢા પર લાકડીના ફટકા માર્યા હતા જેના કારણે તેનું જડબું તૂટી ગયું હતું. કૂતરાના શરીર ઉપર પણ ઇજાનાં નિશાન હતાં ત્યારે મોઢામાંથી લોહી નીકળતું હોવાથી તે બૂમબરાડા પાડતું હતું. દરમિયાનમાં સોનલબહેને મિથુનને પૂછ્યું હતું કે, કૂતરાને કેમ માર્યું. આ સમયે મિથુને સરખો જવાબ આપ્યો હતો નહીં. કૂતરાને હોસ્પિટલમાં લઇ જવું જરુરી હોવાથી સોનલબહેનને પહેલાં તેને રિક્ષામાં બેસાડી જીવદયા પાંજરાપોળ ખાતે સારવાર કરાવી હતી. સારવાર બાદ સોનલબહેને વાસણા પોલીસ સ્ટેશનમાં મિથુન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદને ચાર દિવસ થઇ ગયા પરંતુ હજુ સુધી કૂતરાને બેરહેમીથી માર મારનાર મિથુન હજુ સુધી પકડાયો નથી.

 

(9:48 pm IST)