Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સુરત થી સૌરાષ્ટ્ર તરફના લોકોના સ્થળાંતરને રોકવા ભરૂચ પાસે નર્મદા બ્રીજ બ્લોક કરાયો

પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી કોઈ વાહન ન મળતા લોકોએ હવે પગપાળા પણ વતન તરફની વાટ પકડી

સુરત : લોકડાઉનના વાતાવરણમાં સૌરાષ્ટ્રથી આવીને દક્ષિણ ગુજરાતમાં વસેલા તેમજ રાજસ્થાન તથા અન્ય રાજ્યોમાંથી આવીને અહી વસેલા લોકોની સ્થિતિ કફોડી બનતા લોકોએ હિજરત કરવાનું શરુ કર્યું હતું. લોકો મોટી સંખ્યામાં જે કોઈ વાહન મળ્યું તેમાં બેસીને પોતાના વતન તરફ રવાના થઇ ગયા હતા. જયારે તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી કોઈ વાહન ન મળતા લોકોએ હવે પગપાળા પણ વતન તરફની વાટ પકડી છે. ખાસ કરીને સુરતમાંથી સૌરાષ્ટ્ર અને અન્ય જીલ્લાઓ તેમજ રાજસ્થાન તરફ મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે. ત્યારે એક બીજાને અડવાથી ફેલાતા ચેપીરોગ કોરોનાનો ભય હવે મોટી સંખ્યામાં લોકોના થઇ રહેલા સ્થળાંતરને કારણે પણ વધ્યો છે. જયારે આવ લોકોના સ્થળાંતરને રોકવા માટે આજે ભરૂચ પાસેનો નર્મદા બ્રીજને બ્લોક કરી દેવામાં આવ્યો છે.

જે અંગેની માહિતી આપતા રાજ્યના પોલીસવડાએ જણાવ્યું હતું કે, સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકોને રોકવા માટે ભરૂચ પાસે નર્મદા બ્રિજને બ્લોક કરવામાં આવ્યો છે. યુવાનો માત્ર ફરવા માટે બહાર ન નીકળે ગુનો નોંધાશે. સોસાયટી પર પણ ડ્રોનથી નજર રખાશે અને કારણ વગર એકઠાં થયેલા જોવા મળશે તો ગુનો નોંધાશે.  રાજ્ય સરકારે એક સર્વિસ શરૂ કરી છે જેમાં કોઇપણ વ્યક્તિ કોરોના અંગે એક્સપર્ટ ડોક્ટરને સવાલ કરી શકશે. તેમજ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે શ્રમિકોને બીજા રાજયમાં ન જવા અપીલ કરી છે અને જો કોઇ હિજરત કરતું જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

(9:55 pm IST)