Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

યુવાનોને લોકડાઉનમાં લટાર મારવા ન નીકળવાની અપીલ

પોલીસ ગુનો દાખલ કરશે તો, કારકિર્દી આડે સમસ્યા : સોસાયટીઓ, શેરીઓ, મહોલ્લામાં કોમન પ્લોટમાં પણ લોકોને એકત્ર કે ભીડભાડ ન કરવા ડીજીપીની સ્પષ્ટ તાકીદ

અમદાવાદ,તા. ૨૮ :     લોકડાઉન દરમ્યાન આગામી દિવસોમાં પોલીસ હવે કડક કાર્યવાહી કરશે. ખાસ કરીને ઘરમાં કંટાળી યુવાનો ઘરની બહાર લટાર મારવા નીકળતા હોવાનું પોલીસના ધ્યાન પર આવતાં રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ ખાસ કરીને યુવાનોને ખાસ ચેતવણી આપી છે કે, તેઓ લોકડાઉનની અમલવારી દરમ્યાન લટાર મારવા ઘરની બહાર ના નીકળે. પોલીસ તેઓની વિરૂધ્ધ આવા સંજોગોમાં ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરશે. પોલીસ ગુનો દાખલ કરશે તો, યુવાનોને તેમની કારકિર્દી તેમ જ વિદેશમાં જવામાં મોટી સમસ્યા ઉભી થઇ શકે છે. દરમ્યાન ડીજીપી શિવાનંદ ઝાએ ખાસ ધ્યાન દોર્યું હતું કે, આઇપીએસ એસોસીએશન તરફથી તમામ અધિકારીઓએ સીએમ રિલીફ ફંડમાં એક દિવસનો પગાર જમા કરાવવાનો નિર્ણય લીધો છે. કોરોના વાઇરસની લડાઇમાં સરકારને આર્થિક સહાયમાં આઇપીએસ એસોસીએશને યથાયોગ્ય યોગદાન આપવાનો નિર્ણય લીધો છે.

             તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ડ્રોન અને સીસીટીવીની મદદથી બાજ નજરો રાખી રહી છે. ખાસ કરીને શહેર સહિત રાજયભરમાં લોકો હજુ પણ લોકડાઉન દરમ્યાન સોસાયટીઓ, શેરી-મહોલ્લાના કોમન પ્લોટમાં એકત્ર થાય છે અને ભીડભાડમાં  બેસતા હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું છે પરંતુુ તે પણ ગંભીર બાબત છે. આ પ્રકારે લોકો એકસાથે બેસે અથવા તો ટોળે વળે તો કોરોના વાયરરસનું સંક્રમણ કે તેનાા ફેલાવાની દહેશત વધી જાય છે. આ સંજોગોમાં સોસાયટીઓ, શેરીઓ-મહોલ્લામાં કોમન પ્લોટમાં પણ લોકોને એકત્ર કે ભીડભાડ નહી કરવા ડીજીપીએ સ્પષ્ટ તાકીદ કરી હતી. પોલીસ દ્વારા સોસાયટી કે શેરી-મહોલ્લાના કોમન પ્લોટમાં કે નાકે ભેગા થતા લોકો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

          કોરોનાને લઇ ભડકાઉ ટિપ્પણી કે અફવા નહી ફેલાવવા પણ ડીજીપી ઝાએ અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, આ પ્રકારના કિસ્સામાં દાહોદમાં બે અને ભાવનગરમાં ચાર ગુના અત્યારસુધીમાં દાખલ કરાયા છે. બીજીબાજુુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વગર કારણે ઘરની બહાર નીકળતાં અને કલમ-૧૪૪ અને ૧૮૮ના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ દ્વારા અત્યારસુધીમાં જાહેરનામા ભંગના કુુલ ૧૬૬૯૧ ગુના દાખલ કરાયા છે. તો, ૯૬૨ જેટલા કેસોમાં કવોરન્ટાઇન ભંગની ફરિયાદ નોંધાઇ છે. લોકડાઉન ભંગ સહિત રાજયમાં કુલ ૨૬૫૩ ફરિયાદો દાખલ થઇ છે. જયારે ૩૩૬૫ વાહનો પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહીમાં અત્યારસુધીમાં કુલ ૩૮૫૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લોકડાઉનનો અમલ કરાવવામાં પોલીસ વધુ કડકાઇપૂર્વક આગામી દિવસોમાં કાર્યવાહી કરશે તે ડીજીપી શિવાનંદ ઝાએ આજે ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું.

(9:12 pm IST)