Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ગમે તેટલું કરગરો દંડાની ભાષા સિવાય નર્મદાની પ્રજાની રખડપટ્ટી નહિ અટકે !: પોલીસે મુખ્ય માર્ગ પર પગપાળા ફરી પેટ્રોલિંગ કરવું પડ્યું

શુક્રવારે ર જાહેરનામાનો ભંગ કરનારા ૭ વિરુધ્ધ અને આજે ૧૬ વિરુઘ કાર્યવાહી : રાજપીપળા કન્યાશાળા,ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં પાલીકા દ્વારા ઉભા કરાયેલ શાક માર્કેટમાં ગ્રાહકોની ખરીદી: ૨૮ પાથરણા ગવર્મેન્ટ સ્કૂલ નીચે,૪૫ ગવર્મેન્ટ સ્કૂલ ઉપર તેમજ ૨૮ પાથરણાનું કન્યા શાળામાં માર્કિંગ કરતા ત્યાં નિયમોનુસાર ભીડ ન થાય તે માટે વર્તુળ મુજબ ખરીદી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: હાલ કોરોના લોકડાઉન ચાલી રહ્યું હોય તંત્ર દ્વારા કેટલાક નિયમો લાગુ કરાયા હોવા છતાં શાક માર્કેટ સહિત બજારોમાં આમ દિવસની માફક ભીડ જામતી હતી એ લોકો માટે જ ખતરાની ઘંટડી સમાન હોય પાલીકા સહિત વહીવટી તંત્રએ અમુક બાબતે કડક નિયમો બનાવ્યા જેમાં હયાત શાક માર્કેટની જગ્યા પર નજીકની ગવર્મેન્ટ હાઈસ્કૂલ તથા સ્ટેશન રોડ પરની કન્યા શાળામાં શાક વેંચતા વેપારીઓ માટે અમુક અંતરે પાથરણા માટે માર્કિંગ કરી સામે વર્તુળ દોરી ત્યાં ગ્રાહકોએ અમુક ડિસ્ટન્સ બનાવી ખરીદી કરવા સૂચના આપતા હાલ આ બંને શાળાઓ પર ગ્રાહકો શાંતિ અને નિયમોનુસાર ખરીદી કરતા નજરે પડ્યા છે

 પોલીસ તંત્ર લોકોના સ્વાસ્થ્ય માટે કમરકસી રહ્યું હોય છતાં કેટલાક લોકો બિન્દાસ થતા દંડાની ભાષા હવે જરૂરી હોય એમ પણ લાગી રહ્યું છે કેમકે શુક્રવાર સુધીમાં જાહેરનામાનો ભંગ કરનારા ૭ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી અને આ આંકડો આજે ડબલ થતા ૧૬ પર પહોંચ્યો હોય ત્યારે આવી મહામારીની સ્થિતિમાં પ્રજા પોતાના સ્વાસ્થ્ય માટે જ મહેનત કરતી પોલીસને સહકાર નહિ આપે તો ન છૂટકે અન્ય શહેરોની જેમ પોલીસ પણ દંડા વાળી કરે તો નવાઈ નહિ .શનિવારે રાજપીપળા સ્ટેશન રોડ પર પોલીસે પગપાળા ફરી લોકોને સમજાવવા પેટ્રોલિંગ કરવું પડ્યું.

(4:59 pm IST)