Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વાજબી ભાવની દુકાનમાં સરકારી કર્મચારીને બેસાડવા સામે વિરોધ

૧ એપ્રિલથી દુકાનદારો સામૂહિક ઘરે બેસી સરકારને અનાજ વિતરણની જવાબદારી સોંપશે

અમદાવાદ તા. ર૮: તાજેતરમાં કોરોના વાઇરસના પગલે જાહેર કરાયેલા લોકડાઉનના સમયગાળામાં કેન્દ્ર સરકાર દ્વારા વાજબી ભાવની દુકાનોમાં ગરીબ લોકોને મફતમાં ઘઉં-ચોખા વગેરે ખાદ્યસામગ્રી પૂરી પાડવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો. આગામી ૧ એપ્રિલથી ગરીબોમાં આ અનાજનું વિતરણ કરાશે, જોકે વાજબી ભાવની દુકાનોમાં વિતરણ વ્યવસ્થા દરમિયાન રાજય સરકારના બે કર્મચારી બેસવાના હોઇ તેની સામે દુકાનદારોએ ઉગ્ર વિરોધ કર્યો છે.

ગુજરાત ફેરપાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસીએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ અંગે જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગુજરાતમાં અનેક આપદાઓ આવી તે વખતે દુકાનદારોએ જાનના જોખમે ગોડાઉનથી અનાજ લાવીને દુકાન સુધી પહોંચાડી તેનું વિતરણ કરી દેવાનું કામ કર્યું છે, પરંતુ આ વખતે રાજય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના નિયામક અવિશ્વાસથી પીડાતા હોઇ તેમણે વિતરણ વ્યવસ્થા દરમિયાન બે કર્મચારી કે અધિકારીને બેસાડવાની વાત કરી છે, જોકે આવા અવિશ્વાસના વાતાવરણમાં દુકાનદાર વિતરણ વ્યવસ્થા સંભાળી શકે તેમ ન હોઇ તેઓ સામૂહિક રીતે આ વ્યવસ્થાથી અલગ રહીને રાજયના પુરવઠા વિભાગને પોતાની દુકાન સોંપીને તેઓ જ જવાબદારી નિભાવે તેવો નિર્ણય કર્યો છે.

(3:58 pm IST)