Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

હોમ કોવોરેન્ટાઇન લોકોની નજર રાખવા 'કોવીડ-19 ટ્રેકર' એપની સફળતા : દેશભરના અન્ય શહેરોમાં અપનાવશે

આ એપ દ્વારા વ્યક્તિનું ટ્રેકિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટીંગ કરવામાં ભારે સરળતા રહે છે

ગાંધીનગર : સુરત મહાપાલિકાએ હોમ ક્વોરન્ટાઇન લોકો પર નજર રાખવા માટે 'કોવીડ-19 ટ્રેકર' એપ બનાવી હતી. આ એપને સારી એવી સફળતા મળી છે. આ એપની સફળતાને પગલે હવે રાજ્યના દરેક મહાનગરમાં આ એપ શરુ કરી દેવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગે તો સ્માર્ટ સીટીઝ બેસ્ટ પ્રેક્ટીસ એવોર્ડ અંતર્ગત આ એપ માટે સુરતની પસંદગી પણ કરી લીધી છે.

આ એપ દ્વારા વ્યક્તિનું ટ્રેકિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટીંગ કરવામાં ભારે સરળતા રહે છે. આમાં દિવસમાં ઓછામાં ઓછી બે વાર અને જરૂર પડ્યે દર કલાકે હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા વ્યક્તિએ પોતાની સેલ્ફી આ એપમાં અપલોડ કરવાની રહે છે. આ સાથે તેને શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો કે શ્વાસની તકલીફ સહિતની કોઈ પણ ફરિયાદ ઉભી થાય તો એની પણ આ એપમાં જાણકારી આપવાની રહે છે.

જો ક્વોરન્ટાઇન કરેલી વ્યક્તિ ઘરમાંથી 10 મીટર પણ બહાર નીકળે તો એપ દ્વારા મનપામાં સતત ચાલી રહેલા રીયલ ટાઈમ મોનિટરીંગમાં ઝડપાઇ જાય છે. મનપાના સ્માર્ટ (સ્મેક) સેન્ટર ખાતે આ મોનિટરીંગ કરવામાં આવે છે. હોમ ક્વોરન્ટાઇનના નિયમની ભંગ કરવા બદલ મનપાએ આજ સુધીમાં કુલ 8 વ્યક્તિઓને આ એપ મારફત જ શોધી તેઓ સામે પોલીસ ફરિયાદ લખવી છે અને દરેકને 25 હજારનો દંડ પણ કર્યો છે.

(11:58 am IST)