Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

માલગાડીની અડફેટે આવતા બે મહિલાના કરૂણ મોત થયા

વાપી નજીક દમણગંગા રેલવે બ્રીજ પરના બનાવ : વહેલી સવારમાં મહિલાઓ ટ્રેનની અડફેટે ચડી : બનાવને લઇ પોલીસની વધુ તપાસ : શ્રમજીવી પરિવારોમાં આઘાત

અમદાવાદ,તા. ૨૮ :     વલસાડ જિલ્લાના વાપી અને કરમબેલી રેલવે સ્ટેશન વચ્ચે આજે વહેલી સવારે બે શ્રમજીવી મહિલાઓના માલગાડીની અડફેટે આવતા મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વહેલી સવારે પાંચેક વાગ્યા આસપાસ દુર્ઘટના સર્જાઈ હતી. જેમા રેલવેના પાટા પર ચાલીને હિજરત કરી રહેલી બે શ્રમિક મહિલાઓના ટ્રેનની અડફેટે દમણગંગા બ્રીજ પર મોત નીપજ્યાં હતાં. સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે તપાસનીશ પોલીસ અધિકારી સોલંકીએ જણાવ્યું હતું કે, બન્ને મહિલાઓેને કદાચ હાલના લોકડાઉનના સમયમાં ખ્યાન નહી રહ્યો હોય કે ટ્રેનો બંધ છે પરંતુ માલગાડી ચાલુ છે. મહિલાઓ હિજરત કરી રહી હોય તેમ સામાન લઈને દમણગંગા બ્રીજ પરથી પસાર થઈ રહી હશે એ દરમિયાન ટ્રેન આવી જતાં પછી તેમને બચવાનો મોકો ન મળ્યો હોય અને ટ્રેનની અડફેટે આવી જતાં મોત થયું હોય તેમ માની શકાય છે. હાલ પોલીસે મહિલાઓની ઓળખથી લઈને તમામ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, શ્રમજીવી વર્તુળમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ છે. એકબાજુ, રાજય સરકાર અને તંત્ર શ્રમજીવી પરિવારોને હિજરત નહી કરવા અને રાજયમાં એક સ્થળેથી બીજે સ્થળે નહી જવા વારંવાર અપીલ અને અનુરોધ કરી રહ્યા છે પરંતુ હજુ પણ ઘણા શ્રમજીવીઓ કોરોનાના કહેર વચ્ચે આ અપીલને અવગણી રહ્યા છે.

(9:16 pm IST)