Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

૨૮૫૦૦ ફેરિયા, લારીધારક, વેપારીઓને ઇશ્યુ કરાયેલ પાસ

લોકોને ઘરની નજીક ચીજવસ્તુઓ મળી શકશે : વેપારીઓને હેરાનગતિ ન થાય તે હેતુસર નિર્ણય કરાયો

અમદાવાદ,તા. ૨૭રાજયના મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્વિનીકુમારે આજે મહત્વની વિગતો આપતાં જણાવ્યું કે, જીવન આવશ્યક ચીજવસ્તુઓ, શાકભાજી વગેરેનો પુરવઠો લોકોને સરળતાએ તેમના ઘર-સોસાયટી-શેરી-મહોલ્લા નજીક મળી રહે તે માટે ૨૮૫૦૦ જેટલા પાસ ફેરિયા, લારીધારકો, વેપારીઓને ઇશ્યુ કરવામાં આવ્યા છે. આવા પાસ સ્થાનિક જરૂરિયાતના આધારે મામલતદાર કક્ષાએથી આપવામાં આવે છે. હાલની સ્થિતીમાં બિયારણ, ખાતર અને પાક જંતુનાશક-પેસ્ટીસાઇઝડસનો આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ કરીને તે પણ ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે મળી રહે તે સુનિશ્વિચત કરવામાં આવ્યું છે.

      તેમણે વધુમાં જણાવ્યું કે, આજે શુક્રવારે સવારે સમગ્ર રાજ્યમાં ૫૧.૩૦ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. ૮પ હજાર ૧૩૩ કવીન્ટલ શાકભાજી અને ૪૮૩ર કવીન્ટલ ફળફળાદીનો આવક નોંધાઇ છે. જેમાં ર૩૧૮૮ કવીન્ટલ બટેટા, ૯૬૮પ કવીન્ટલ ડુંગળી, ૯૪પ૯ કવીન્ટલ ટામેટા અને ૪ર૮૭૧ કવીન્ટલ લીલાશાકભાજીનો સમાવેશ થાય છે. ઉપરાંત ૭૦પ કવીન્ટલ સફરજન, ૭૪૭ કવીન્ટલ કેળાં અને ૩૩૮૬ કવીન્ટલ અન્ય ફળફળાદિ પણ રાજ્યમાં ઉપલબ્ધ છે. સમગ્ર રાજ્યમાં ૬૯ માર્કેટ-મંડીઓ કાર્યરત રહી છે અને વિતરણ વ્યવસ્થાનું કાર્ય કરે છે. શાકભાજીનો પુરવઠો પુરતો પ્રમાણમા છે, કોઈ મુશ્કેલી નથી. પ્રજાએ માર્કેટ યાર્ડ કે જથ્થાબંધ માર્કેટમાં જેવું નહિ. નહિ તો પોલીસ પગલાં ભરશે. લોકો શાકભાજીમાં ભરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે.

        ઉપરાંત પગપાળા નીકળી પડેલ શ્રમિકોને ૨૫૦ જેટલી એસટી બસ અને ૫૦૦ ખાનગી વાહનોમાં પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ સરકારે શ્રમિકોને પગપાળા નીકળવાની અપીલ કરી છે. તમામ લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, રાજયમાં આવશ્યક અને જીવનજરૂરી ચીજવસ્તુઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનીટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક સતત ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-૧૦૭૦, ૦૭૯-૨૩૨૫૧૯૦૦ પર સંપર્ક કરી નાગરિકો જરૂરી માહિતી જાણી શકશે.

(9:48 pm IST)