Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

ગુજરાતમાં દારૂબંધી મામલે કાલે કોર્ટમાં સુનાવણી થશે

ગુજરાતમાં દારૂબંધી મુદ્દે બે ભાગલા પડ્યા : અનેક લોકો દારૂબંધી હટાવવાની માંગ કરી રહ્યા છે ત્યારે એક જૂથ દારૂબંધી યથાવત રાખવા માગણી કરી રહ્યું છે

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. મોટા શહેરોમાં તો બુટલેગરો હોમ ડિલીવરી પણ પુરી પાડત થયા છે. તો માફિયાઓ અવનવા અખતરા અજમાવી ગુજરાત ની સરહદે દારૂ ખુસવાડવાનો પ્રયત્ન કરે છે જેમાં ઘણીવાર સફળતા મળે છે તો ઘણીવાર પકડાઇ જાય છે. હાલમાં ગુજરાત માં ચૂંટણીનો માહોલ હોવાથી દારૂની ડિમાન્ડ વધી છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે દારૂની ડિમાન્ડ વધી જતી હોય છે.

તાજેતરમાં ગુજરાત માંથી દારૂબંધી હટાવવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આક્રમક તેવર બતાવી ચૂક્યા છે. તેઓ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાના પક્ષમાં છે. આ વિશે અનેકવાર તેઓ જાહેરમાં બોલી ચૂક્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં દારૂબંધીની છૂટ આપવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અભિયાન શરૂ કર્યું છે.

જેમાં તેઓએ ગુજરાતીઓને સ્પષ્ટ વાત પૂછી છે કે, શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? આ ઉપરાંત તેઓએ દારૂબંધીની વિરુદ્ધમાં એક અભિયાન પણ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો હતો. ત્યારબાદ અનેક લોકો દારૂબંધી હટાવવાની માંગ કરી રહ્યા છે ત્યારે એક જૂથ એવું પણ છે કે જે દારૂબંધી યથાવત રાખવા માંગ કરી રહ્યું છે અને દારૂબંધી નહિ હટાવવા મુદ્દે નામદાર કોર્ટમાં અપીલ કરી છે.

દારૂબંધીના નવા કાયદાને રદ નહી કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જો દારૂબંધીનો કાયદો રદ થશે તો રાજયની સામાજીક અને કાયદાની વ્યવસ્થા ખોરવાઇ જશે તેવી રજૂઆત કરવામાં આવી છે. જેના કારણે દારૂડિયા ખુલ્લેઆમ દારૂ પીને રસ્તા પર નીકળશે અને મહીલાઓ અને બાળકો સલામત નહી રહે. આ અંગે વધુ સુનાવણી ૧લી માર્ચે એટલે કે આવતીકાલે હાથ ધરાશે એવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના એક તબીબ સહિત એક મહિલાએ પણ ગુજરાતમાંથી દારૂબંધીનો કાયદો રદ કરવા માટે નામદાર કોર્ટમાં અરજી કરી છે. જેનો વિરોધ કરતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે.આઅરજીમાં એવી રજુઆત કરાઇ છે કે, દારૂબંધીના નવા કાયદામાં સજાની કડક જોગવાઇઓ છે તેના લીધે લોકોમાં ડર રહે છે. જો તે હટી જશે તો અન્ય રાજયોનીજેમ અહી પણ ગુનાખોરી વધશે. આમ લોકોમાં દારૂબંધી મામલે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. ત્યારે ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ થાય તે પહેલા પોલીસ અગમચેતાની રાખતાં દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. ગુજરાત રાજ્યની રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્ય તથા કેન્દ્રશાષીત પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલી સાથે સંકળાયેલ આંતરરાજ્ય સરહદ ઉપર કુલ ૯૭ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલી છે. તે ઉપરાંત ૪૩૭ જેટલી આંતરિક ચેક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલી છે. જે ચેક પોસ્ટ પર થી ૧૯.૯૦ લાખ નો દેશી દારૂ ૧૦.૪૪ કરોડનો વિદેશી દારૂ, ૨ કરોડ રોકડ,૧૫.૫૭ કરોડના વાહન અને ૨.૧૧ કરોડ ની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

(10:36 pm IST)