Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

સંતરામપુરમાં કોંગ્રેસના ટેકેદારો પર જીવલેણ હુમલો

ચૂંટણી પહેલા ખૂની ખેલ ખેલાયો : જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર પ્રકાશ કટારા તેમજ તેઓના પુત્ર કલ્પેશ કટારાએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ

મહીસાગર,તા.૨૮ :રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પહેલાં મહીસાગર જિલ્લામાં ખૂની ખેલ ખેલાયો છે. જિલ્લાના સંતરામપુરમાં કૉંગ્રેસના ૩ સમર્થકો પર જીવલેણ હુમલાની ઘનટા સામે આવી છે. ગોઠીબ તાલુકા પંચાયતના બીજેપીના ઉમેદવારો પર આ ખૂની ખેલ ખેલવાનો આરોપ લાગ્યો છે. બનાવની વિગતો એવી છે કે સંતરાપુરના મહીસાગર જિલ્લા પંચાયતની ચૂંટણીની અદાવત રાખીને મોટા અંબેલા ગામના વિક્રમભાઇ કેહરાભાઇ પારગી, સંતુભાઈ ધનાભાઈ અને ભરત અખમભાઇ પારગી પર હથિયારો સાથે હુમલો થયો હતો. ઇજાગ્રસ્તોને હાથપગ ભાંગી જતા સંતરામપુરની કોટેજ હૉસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં પીડિતોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરતા ખળભળતચા મચી ગયો હતો. પીડિતોએ જણાવ્યું કે સંતરામપુર તાલુકાની ગોઠીબ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર પ્રકાશ કટારા તેમજ તેઓના પુત્ર કલ્પેશ કટારા તેમજ શંકર માનસિંગ તાવિયાડ, સુરેશ પગજી અને રામસિંગ વિરસિંગ સહિતના લોકોએ ભેગા મળીને હુમલો કર્યો હતો. આમ મહીસાગરમાં આ ચૂંટણીમાં ખૂની ખેલ ખેલાયો છે. આ લોહિયાળ જંગનું પરિણામ વધુ ગંભીર આવે તે પહેલાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાનમાં રવિવારે વહેલી સવારથી જ રાજ્યમાં ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

(7:22 pm IST)