Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

‘મધર ઈન્ડિયા’ ફિલ્મમાં નરગીસ દત્તના ડમી તરીકે પાત્ર ભજવનાર ભીખીબહેન નાયકાએ મહુવાના ઉમરામાં કર્યું મતદાન

ફિલ્મમાં લગ્નના પ્રસંગમાં નરગીસની માતાની ભૂમિકા પણ ભીખીબહેને બખૂબીથી નિભાવી હતી

સુરતઃ ભારતીય સિને જગતની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય હિન્દી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’નું જયાં શુટીંગ થયું હતું તેવા મહુવા તાલુકાના ઉમરા ગામના વતની અને ફિલ્મમાં નરગિસના ડમી તરીકે ફિલ્મમાં કામ કરનાર 75 વર્ષીય ભીખીબહેન ભાણાભાઈ નાયકાએ ઉમરાની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.

દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરતા ભીખીબેન જણાવે છે કે, લોકશાહીના મહાપર્વમાં સૌ કોઈએ હંમેશા મતદાન કરવું જોઈએ. જાગૃત્ત ભારતીય તરીકે મતદાનની ફરજ નિભાવવી જ જોઈએ.

મહુવા તાલુકાના ‘મધર ઈન્ડિયા’ તરીકે ઓળખાતા ભીખીબહેન કહે છે કે, મધર ઈન્ડિયાના શુટીંગ સમયે મારી ઉમર 15 થી 17 વર્ષની હતી. અમારા ગામની નજીકમાં શુટીંગ થયું હતું. ફિલ્મમાં આગના દ્રશ્યના શુટીંગ સમયે અભિનેત્રી નરગીસ દત્ત આગમાં દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી ફિલ્મના નિર્માતા મહેબુબે નરગીસ જેવો ચહેરો હોય તેવી ગામની બહેનોને શુટીંગમાં લેવાની વાત કરી.

 ઉમરા અને આસપાસના ગામની ચાલીસેક છોકરીઓમાંથી મારી પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મમાં લગ્નના પ્રસંગમાં નરગીસની માતાની ભૂમિકા પણ ભીખીબહેને બખૂબીથી નિભાવી હતી. ભીખીબહેન ધો.6 સુધી ભણ્યા છે આજે પણ કોઈના સહારા વિના ઘરનું બધુ કામ જાતે કરે છે

(5:18 pm IST)