Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

વિવાદ પછી પહેલા રાષ્ટ્રધર્મ

સુરતના કામરેજની બહેનોએ લગ્ન પહેલા મતદાન કરી પછી જ લગ્ન મંડપમાં જવાની જીદ કરી : પ્રથમ મતદાન કરી રાષ્ટ્રધર્મ ફરજ બજાવી

સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતો, 81 નગર પાલિકા અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સુરતના કામરેજમાં કંઈક અલગ જ તસ્વીર જોવા મળી છે. જેમાં આજે લગ્ન કરીને નવી જિંદગી શરૂ કરવા જઈ રહેલી બે બહેનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાતમાં હાલ લગ્ન ગાળો ચાલી રહ્યો છે. આ સમયે સુરતના કામરેજની દિપાલી અને રિદ્ધી નામની બે બહેનોએ “પહેલા મતદાન પછી લગ્ન” એ ઉક્તિને સાર્થક કરતી હોય, તેમ સોળે શણગાર સજીને ચોરીમાં જવાના બદલે મતદાન મથકે પહોંચી હતી. જ્યાં આ બહેનોએ લગ્ન પહેલા પોતાના મતાધિકારને પ્રાથમિક્તા આપી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ બોટાદના ઉગામેડા ગામના વરરાજાની જાન અમરેલી જિલ્લાના વાકીયા સુખપર ગામે જવાની હતી. જો કે પહેલા તેણે પોતાના મતાધિકારને પ્રાથમિક્તા આપી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

જણાવી દઈએ કે, આ ચૂંટણીઓ અગાઉ નવેમ્બર 2020માં યોજાનાર હતી, પણ કોરોના વાઇરસના સંક્રમણના પગલે ચૂંટણીઓને 3 મહિના માટે પાછળ ઠેલવવામાં આવી હતી. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીઓમાં મતદાન અને મતગણતરી અંગે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે જે જિલ્લા પંચાયતો, નગર પાલિકા અને તાલુકા પંચાયતોની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, તેનું પરિણામ આગામી 2 માર્ચે જાહેર થશે.

(4:30 pm IST)